ઇસ્લામાબાદ : ત્રાસવાદની સામે ભારત દ્વારા લેવામાં આવેલા જોરદાર એક્શન અને બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન સામે દબાણ બાદ તેની હાલત કફોડી બનેલી છે. તે નવા નવા પેંતરાબાજી કરી રહ્યુ છે. હવે પાકિસ્તાને કહ્યુ છે કે પુલવામા આત્મઘાતી હુમલાની જવાબદારી લેનાર ત્રાસવાદી સંગઠન જેશે મોહમમ્દના લીડર મસુદ અઝહર હાલમાં પાકિસ્તાનમાં છે. પાકિસ્તાને પ્રથમ વખત તે તેના ત્યાં હોવાની કબુલાત કરી છે. સાથે સાથે એમ પણ કહ્યુ છે કે મસુદ અઝહર હાલમાં એટલો બિમાર છે કે તે પોતાના ઘરમાંથી બહાર નિકળી શકવાની સ્થિતીમાં નથી.
પાકિસ્તાને હજુ પણ મસુદની સામે કાર્યવાહી કરવા માટે ભારત પાસેથી પુરાવાની માંગ કરી છે. જેથી તેની ખતરનાક હરકતના સંકેત મળે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ એક ટીવી ચેન સાથેની વાતચીતમાં કહ્યુ છે કે મસુદ પાકિસ્તાનમાં છે. પ્રશ્નના જવાબમાં કુરેશીએ કહ્યુ હતુ કે તેમની પાસે જે માહિતી આવી છે તે મુજબ મસુદ પાકિસ્તાનમાં છે અને હાલમાં ખુબ બિમાર હાલતમાં છે. કુરેશીએ કહ્યુ હતુ કે અઝહર એટલી હદ સુધી બિમાર છે કે તે પોતાના ઘરમાં ચાલી શકવાની સ્થિતીમાં નથી. મસુદની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે અંગે પુછવામાં આવતા કુરેશીએ કહ્યુ હતુ કે જો ભારત પાસે કોઇ પુરાવા છે તો પાકિસ્તાનને આપી શકે છે. જો પાકિસ્તાનની પાસે પુરાવા હશે તો ચોક્કસપણે ધરપકડ કરવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ફરી એકવાર આ મામલે ગેરમાર્ગે દોરતા નજરે પડ્યા હતા. ભારતે પુલવામા હુમલાના સંબંધમાં કેટલાક નક્કર પુરાવા આપી દીધા છે.
પાકિસ્તાનને ભારતે ડોઝિયર સોંપી દીધો છે. જેમાં આત્મઘાતી હુમલામાં જેશની સંડોવણી અંગે પુરાવા આપવામાં આવ્યા છે. પાકિસ્તાનને નક્કર પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પાકિસ્તાનના વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ જારી રહ્યા છે. આત્મઘાતી હુમલાખોર આદિલ દ્વારા હુમલા પહેલા વિડિયો જારી કર્યો હતો જેમાં તે જેશના શખ્સ હોવાની કબુલાત કરી હતી.