પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય હવાઇ દળે જોરદાર હુમલા કરીને ત્રાસવાદી કેમ્પોનો સફાયો કર્યા બાદ પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી રહી છે તે સાબિત કરે છે કે પાકિસ્તાન ત્રાસવાદને ટેકો આપનાર દુનિયામાં એકમાત્ર દેશ છે. પાકિસ્તાન દ્વારા ભારતની કાર્યવાહી બાદ ત્રાસવાદીઓ સામે વધારે પગલા લેવાના બદલે ત્રાસવાદીઓની મદદમાં આવીને ભારતના સૈન્ય સ્થળો પર હુમલા કરવાના બુધવારના દિવસે પ્રયાસ કર્યા હતા. જેથી તેન પોલ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુલી ગઇ છે. વિશ્વના દેશો પાકિસ્તાનને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે કહી રહ્યા છે ત્યારે પાકિસ્તાન ત્રાસવાદીઓની સાથે ઉભા રહીને ત્રાસવાદીઓને બોંધપાઠ ભણાવી રહેલા ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરે છે.
વિશ્વના દેશો આ બાબતની નોંધ લઇને પાકિસ્તાનને બોધપાઠ ભણાવે તે સમય આવી ગયો છે. હાલમાં એવો સમય છે જ્યારે પાકિસ્તાનને બિલકુલ અલગ પાડી દેવાનો સમય છે. મોદી જેવા શક્તિશાળી લીડરના નેતૃત્વમાં ભારતની નોંધ વિશ્વે લીધી છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા કેમ્પ અંગે પાકિસ્તાન નક્કર કાર્યવાહી કરે તે સમય છે. ભારતની મદદ કરીને ત્રાસવાદીઓને પકડી તેમને સજા કરવામાં આવે તે સમય છે. ભારત સામે કોઇ દુસાહસ કરવાની સ્થિતીમાં તો તેને જ પોતાની રીતે ભારે નુકસાન થશે. તેના માટે કોઇ પણ દુસાહસ આત્મહત્યા સમાન સાબિત થશે.
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. ત્રાસવાદને લઇને ભારતે વર્ષોથી પાકિસ્તાનને પગલા લેવા અપીલ કરી હતી. પરંતુ જ્યારે પુલવામા ખાતે હુમલો કરવામાં આવ્યો અને વધુ આત્મઘાતી હુમલા કરવાના રિપોર્ટ મળ્યા ત્યારે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જરૂરી બની હતી.