નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વિસ્ફોટક સ્તરે પહોંચી ગયા છે ત્યારે જમ્મુકાશ્મીરમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવા માટેના આદેશ તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં તમામ જગ્યાએ ભારે સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. યુદ્ધ જેવી સ્થિતી હાલમાં પ્રવર્તી રહી છે. લોકોમાં દહેશત પણ છે. પાકિસ્તાની સૈના દ્વારા નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો.
જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.ભારતીય સેનાએ સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, ભારતના જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાની જવાનોના મોત પણ થયા છે. અંકુશ રેખા ઉપર પાકિસ્તાને ૧૫થી ૨૦ સ્થળો ઉપર ગોળીબાર કર્યો હતો. માનવ શિલ્ડ તરીકે ગામવાળાઓનો ઉપયોગ કરીને નાગરિક આવાસો ઉપરથી આ ગોળીબાર કરાયો હતો.
આ કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો ઝીંકી હતી. રાજારી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આજે ત્રીજા દિવસે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.