અમદાવાદ : રાજ્યભરમાં ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ માર્ચમાં યોજાનારી ધોરણ દસ અને બારની પરીક્ષા આપશે. જેમાં સાબરમતી જેલના ૨૪ કેદીઓ સહિત કુલ ૨૫૦થી વધુ કેદીઓ પણ બોર્ડની આ પરીક્ષા આપવાના છે. ખાસ કરીને અમદાવાદ સાબરમતી જેલના ૨૦ કેદીઓ ધોરણ દસની અને ચાર કેદી ધો.૧૨ની પરીક્ષા આપશે. જેમાં એક મહિલા કેદીનો સમાવેશ થાય છે. કુલ ૨૪ કેદીમાં ૫૦ ટકાથી વધુ કેદીઓ ૪૦ વર્ષ આસપાસના છે. રાજ્યની વિવિધ જેલોના મળી રપ૦થી વધુ કેદી પણ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે બોર્ડ સત્તાવાળાઓ દ્વારા પણ કેદી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોલીસ તંત્રએ પણ સુરક્ષાનો ખાસ બંદોબસ્ત તૈનાત કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતની જેલના કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોઇ કેદીઓમાં એક રીતે ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. બોર્ડ સત્તાવાળાઓ દ્વારા કેદી પરીક્ષાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના અધિક સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો. એમ.કે.નાયકે જણાવ્યું હતું કે, જેલમાં રહીને અભ્યાસ કરતા કેદીઓ તેમના અભ્યાસની તૈયારીઓ માટે બેરેકમાં રહીને પણ વાંચન કરે છે, જેની પાછળ તેઓ પ થી ૭ કલાક જેટલો સમય ફાળવે છે.
આ ઉપરાંત કેદીઓને બેરેકમાં વાંચવા માટે લાઇબ્રેરીમાંથી બુક પણ અપાય છે, જે વાંચીને ફરી ત્યાં જ મૂકવાની રહે છે. આ વર્ષે પણ બોર્ડ પરીક્ષાને લઈ કેદીઓમાં ઉત્સાહ છે. આ પરીક્ષા આપવા માટે ૨૫૦ જેટલા વિવિધ ગુનાઓમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા પણ આવેદનપત્ર ભરવામાં આવ્યાં છે. શિક્ષણબોર્ડના ચેરમેન એ.જે. શાહે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ લોકોની પરીક્ષા ક્યાં અને કેવી રીતે લેવી તે અંગે ગૃહ વિભાગની ભલામણ બાદ જ નિર્ણય કરવામાં આવે છે. જા કે, બોર્ડ દ્વારા તમામ વ્યવસ્થા અને આયોજન ચોકસાઇપૂર્વક કરવામાં આવે છે.