અમદાવાદ : વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે ઝારખંડના ધનબાદ પાસે માઈન્સ બિછાવી પોલીસની જીપ પર હુમલો કરનાર નક્સલવાદીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આ નક્સલવાદી અમદાવાદ નજીક આવેલી રણોદરાની સ્ટીલની કંપનીમાં છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યો હતો. તે ચાર વર્ષ પહેલા ઓઢવમાં વેપારી મહામંડળની કાંતિલાલ શેઠની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસે હવે આરોપી નકસલવાદીની પૂછપરછ હાથ ધરી વધુ વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રાથમિક પૂછપરછ અને વિગતો જાણ્યા બાદ એટીએસ દ્વારા આરોપી નકસલવાદી સીતારામ માંઝીની કસ્ટડી હવે ઝારખંડ પોલીસને સોંપવાની દિશામાં તજવીજ હાથ ધરાઇ છે.
આ અંગ પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત એટીએસને ચોક્કસક બાતમી મળી હતી કે, ઝારખંડમાં વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજગંજ પોલીસ વિસ્તારમાં માઈન્સ બિછાવી પોલીસની જીપ ઉડાડનાર નક્સલવાદી સીતારામ માંઝી (ઉમર વર્ષ ૪૫, રહે. ગામ-ધોવતણ, ધનબાદ) રણોદરા પાસે છુપાયો છે. એટીએસની ટીમે ભારે ગુપ્તતાપૂર્વક ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો અને તેની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે, તે વર્ષ ૨૦૦૪માં ધનબાદની ક્રાંતિકારી કિસાન કમિટી નામની નક્સલવાદી જોડાયો હતો. ૨૦૦૯માં ધનબાદ અંગરપતરા રેલવે પોલીસ સ્ટેશનમાં હુમલો કરી રાઈફલોની લૂંટના ગુનામાં પણ તે ઝડપાયો હતો. તેના જ ગામ ધોવતણની શાળામાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે. આરોપી નક્સલવાદી સીતારામ છેલ્લા ચાર વર્ષથી ઓઢવમાં વેપારી મહામંડળની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એક વર્ષ પહેલા જ તે રણોદરા પાસે સ્ટીલની કંપનીમાં જોડાયો હતો. સીતારામને પકડવા માટે ઝારખંડની સરકારે એક લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. ગુજરાત એટીએસ દ્વારા હવે આરોપી નકસલવાદીની કસ્ટડી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે ઝારખંડના ધનબાદ પાસે માઇન્સ બિછાવી પોલીસની જીપ પર હુમલો કરવાના કેસમાં ઝારખંડ પોલીસેન સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે.