અમદાવાદ : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં આવતા છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાંથી આજે એક ૯ વર્ષની સિંહણનો કોહવાયેલી, દુર્ગંધ અને જીવાતવાળી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વધુ સિંહના મોતને લઇ સિંહ અને વન્ય પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. વનવિભાગને આ સિંહણના મૃતદેહ અંગે જાણ થતાં સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતા. જ્યારે સિંહણમાં જીવાત અને દુર્ગંધ એટલી હદે આવતી હતી કે વનવિભાગના સ્ટાફ દ્વારા પોતાના મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. બીજીબાજુ, એક પછી એક સિંહોના છાશવારે મોત સામે આવી રહ્યા હોઇ વનવિભાગના અધિકારીઓની કામગીરી અને સિંહોના સંરક્ષણને લઇ તેમની ફરજ મુદ્દે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
સોહરિયા વિસ્તારમાં સિંહણના મોતને લઇને હવે વનવિભાગના અધિકારીઓ માટે સવાલો ઉઠી રહ્યા છે કે, જા સિંહણના મોતને આશરે ૨૫ દિવસ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ભાણીયા રાઉન્ડના વનકર્મીને કે રેન્જના અધિકારીઓને જાણ સુદ્ધા ના થઇ એ બહુ મોટી વાત કહેવાય અને તો શું વનવિભાગના અધિકારીઓ કરી શું રહ્યા હતા? ગીર અને તેની આસપાસના પંથકોમાં થોડો સમય વીતે છે ત્યાં સિંહ, સિંહણ કે સિંહબાળના મોતની ઘટના સામે આવી જાય છે, જેને લઇ સિંહ પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં ભારોભાર નારાજગી ફેલાયેલી જાવા મળી રહી છે. ગુજરાત હાઇકોર્ટે સિંહોના રક્ષણ અને તેમની સલામતી તેમ જ આરોગ્યવિષયક સારવાર માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવા ખુદ ગુજરાત હાઇકોર્ટે મહત્વના નિર્દેશો કર્યા હોવાછતાં સિંહો સલામતના બણગાં ફૂંકતું વનવિભાગના અધિકારી-કર્મચારીઓ આવી રીતે સિંહો સલામત છે તેવું માનતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે.
હાલમાં આ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં એક સિંહના ૧૩ નખ ગાયબની ઘટનામાં હજુ સુધી તપાસના નામે હવાતિયાં મારી રહેલા વનવિભાગના કર્મચારીઓ-અધિકારીઓ હજુ ક્યાં સુધી આવી રીતે સિંહ-સિંહણના મોતને ભેટી રહ્યા છે તે તમાશો જોયા કરશે તેવો આક્રોશ સિંહપ્રેમીઓમાં જાવા મળી રહ્યો છે. તેઓ વનવિભાગ સામે રોષ સાથે સવાલો કરી રહ્યા હતા કે ૨૫ દિવસ પેહલા સિંહણનું છેલ્લી વખત ક્યાં લોકેશન હતું. બાદમાં સિંહણ કંઈ હાલતમાં છે તે જોવામાં જ આવ્યું ન હોવાથી સિંહણ મોતને ભેટી ત્યારે બેજવાબદારી દાખવાનાર સામે પગલાં લેવાની માંગ પણ સિંહ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે ન્યાયિક તપાસની માંગ પણ ઉઠી છે.