શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આઈએએફ હેલિકોપ્ટર તુટી પડ્યા બાદ પાંચ લોકોના મોત થયા છે. બડગામમાં ગેરેન્ડ કાલન ગામમાં ઓપન ફિલ્ડમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થયા બાદ તમામ સાવચેતીના પગલા લેવાયા હતા. ઘટનાસ્થળથી તમામ પાંચના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા લોકો પૈકી એકની ઓળખ કરી લેવામાં આવી છે જે કિફાયત હુસૈન તરીકે ઓળખાયો છે. અન્ય ચારની ઓળખ થઇ શકી નથી પરંતુ આ ચાર આઈએએફના કર્મચારીઓ હોવાના અહેવાલ મળ્યા છે.
નવી દિલ્હીમાં અધિકારીઓએ કહ્યું હતું કે, આ એમઆઈ-૧૭ હેલિકોપ્ટર હતું. શ્રીનગરમાં અધિકારીઓએ કહ્યું હતું કે, આ અંગે માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ આ દુર્ઘટનાને લઇને પણ વિરોધાભાષી અહેવાલ આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વિમાન જેટ હતુ અને તેમાં આગ ફાટી નિકળ્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી છે ત્યારે આ દુર્ઘટનાગ્રસ્તરુપે સ્થિતિ સર્જાઈ હતી.
અત્રે નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને બોંબરોનો સમાવેશ થાય છે.