નવી દિલ્હી : ભારતીય હવાઈ દળ દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં કરવામાં આવેલા પ્રચંડ હુમલા બાદ આજે સાંજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં હુમલાના સંદર્ભમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તમામને માહિતી આપી હતી. સર્વપક્ષીય બેઠક બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, તમામ પક્ષોએ એકસુરમાં સુરક્ષા દળોની પ્રશંસા કરી છે. સરકારના આતંકવાદ વિરોધી ઓપરેશનનું સમર્થન કર્યું હતું. સર્વપક્ષીય બેઠક દરમિયાન વિદેશ મંત્રીએ નેતાઓને કહ્યું હતું કે, બાલાકોટમાં જૈશના ત્રાસવાદીઓના કેમ્પો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભમાં અમેરિકી વિદેશમંત્રી માઇક સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. વિદેશમંત્રીએ પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ ચીન, સિંગાપોર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં પોતાના સમકક્ષો સાથે વાતચીત કરવામાં આવી હતી. મોટા આતંકવાદી કેમ્પ ઉપર ભારતીય હવાઈ દળના હુમલના સંદર્ભમાં સત્તાવાર માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, તમામને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
યોજાયેલી બેઠકમાં સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, સંસદીય બાબતોના મંત્રી વિજય ગોયેલ અને અન્ય તમામ પક્ષોના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પક્ષોના પ્રતિનિધિઓએ એકસુરમાં ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી હતી. તેમની પ્રશંસા કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ટેકો આપવાની વાત કરી હતી. બેઠકમાં કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ, ડાબેરીના સીતારામ યેચુરી, એનસીપીના પ્રફુલ પટેલ, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ પણ હાજરી આપી હતી. ગુલામ નબીએ કહ્યું હતું કે, ત્રાસવાદને ખતમ કરવા સેનાની ઉલ્લેખનીય ભૂમિકા રહી છે. આ એક ક્લીન ઓપરેશન હતું.