અમદાવાદ : અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રી મહોત્સવ સમિતીના તત્વાઘાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને નવજીવન ફાઉન્ડેશનનાં અંગ દાનના પવિત્ર વૈદકીય સેવા પ્રકલ્પને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશથી મહાશિવરાત્રી મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે શહેરના એસ.જી.હાઇવે પર ઝાયડસ હોÂસ્પટલની બાજુમાં ગણેશ ગ્રાઉન્ડના કૈલાશ માનસરોવર ધામ ખાતે આવતીકાલે ૨૭ લાખ રૂદ્રાક્ષની મદદથી તૈયાર કરાયેલા સવા ૩૫ ફુટ ઉંચુ વિશ્વના સૌથી ઉંચા મહાશિવલિંગની અનાવરણ વિધિ કરવામાં આવશે(દર્શનાર્થે ખૂલ્લું મૂકાશે). વિશ્વના સૌથી ઉંચા મહાશિવલિંગને લઇ અમદાવાદના આંગણે એક નવો જ અને અનોખો રેકોર્ડ બનશે.
રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક અને જાણીતા શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસના નેજા હેઠળ તા.તા.૨૬મી ફેબ્રુઆરીથી તા.૬ઠ્ઠી માર્ચ દરમ્યાન ૨૧ પોથી શિવકથા, ૨૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. આવતીકાલે તા.૨૬મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦ વાગે ભવ્ય શોભાયાત્રા શ્રી દિપકભાઈ જી. પટેલ તથા શ્રી શેખરભાઈ જી. પટેલ સહિતના શ્રધ્ધાળુઓની સાથે હર હર મહાદેવના જય ઘોષ સાથે શ્રી ગણેશ કોર્પોરેટ હાઉસ, ૧૦૦ ફુટ હેબતપુર – થલતેજ રોડ, સોલા બ્રિજ પાસે, એસ. જી. હાઈવેથી નીકળી કથાસ્થળે પહોચશે. ત્યારબાદ સ્થાપિત દેવતાઓનું પૂજન, ૨૧ કુંડી મહારુદ્ર યજ્ઞનો આરંભ અને ત્યારબાદ સવારે ૧૦ઃ૩૦ કલાકે આમંત્રિત સંતો તથા મહાનુભાવાના કરકમલો દ્વારા વિશ્વનાં સૌથી ઉંચા રુદ્રાક્ષ મહાશિવલિંગજીનું અનાવરણ કરી દર્શન અભિષેક માટે ખુલ્લુ મુકવામા આવશે.
અનાવરણ બાદ તા. ૬ માર્ચ બુધવાર સુધી દરરોજ સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ દર્શન અભિષેકનો લાભ લઈ શકશે. બપોરે ૩-૦૦ વાગ્યે શિવકથાનો આરંભ કરવામાં આવશે. વિખ્યાત શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા જીવને શિવ તરફ ગતી કરાવતી શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવાશે. સાંજે ૬-૩૦ કલાકે ૧૦૮ દિવાની ભવ્ય રુદ્રાક્ષ મહાશિવલિંગ આરતી કરવામાં આવશે. તા. ૨૭ ફેબ્રુ.થી તા.૬ માર્ચ દરમ્યાન પ્રતિદિન સવારે ૮-૦૦ કલાકે મહાશિવલિંગજી સન્મુખ સમૂહ રુદ્રાભિષેક કરવામા આવશે અને પ્રતિદિન સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ મહારુદ્ર યજ્ઞ, પ્રતિદિન સાંજે ૩-૦૦ થી ૬-૦૦ શિવકથાનું રસપાન અને સાંજે ૬-૩૦ કલાકે રુદ્રાક્ષ મહાશિવલિંગજીની મહાઆરતી કરવામાં આવશે. રૂદ્રાક્ષના આ મહાકુંભ સમા ઐતિહાસિક ધાર્મિક પ્રસંગને લઇ જાણીતા શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, એક રૂદ્રાક્ષ એટલે એક શિવલિંગ કહેવાય. ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી આ સવા ૩૫ ફુટ ઉંચું મહાશિવલિંગ બનવાથી લાખો શ્રધ્ધાળુ ભકતજનોને માત્ર એક લોટા જળથી ૨૭ લાખના જળાભિષેક કરવાનો અનોખો પુણ્યયોગ પ્રાપ્ત થશે.
આ રૂદ્રાક્ષ મહાકુંભ દરમ્યાન સમૂહ રૂદ્રાભિષેક, હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ, ૧૦૮ દિવાની મહાઆરતી, મહાશિવરાત્રિ રાત્રિપૂજન, શિવમહાપુરાણ કથા, રૂદ્રાક્ષ મહાશિવલિંગ આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શિવભકતો અને શ્રધ્ધાળુઓ લાખોની સંખ્યામાં ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી બની રહેલા આ મહાશિવલીંગના દર્શનાર્થે ઉમટે તેવી શકયતા છે. શ્રી બટુકભાઇ વ્યાસે ઉમેર્યું કે, આવતીકાલે આ મહાશિવલીંગની અનાવરણવિધિ પ્રસંગે જગન્નાથમંદિરના મહામંડલેશ્વર મંહત શ્રી દિલીપદાસજી મહારાજ, દેકાવાડા, આનંદ આશ્રમના શ્રી કાલિદાસબાપુ, ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના મહંત શ્રી રામસ્વરૂપપુરીજી, શિવાનંદ આશ્રમના સ્વામી શ્રી અધ્યાત્મનંદજી સરસ્વતી, સોકલી હનુમંતધામના મહંત શ્રી પરિમલભાઇ(ખોડીદાસ બાપુ) સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે. અમદાવાદના આંગણે ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી બનેલા આ ભવ્યાતિભવ્ય સવા ૩૫ ફુટ ઉંચા મહાશિવલીંગનું નામ ગિનિસ બુકમાં પણ નોંધાવાની શકયતા છે.