નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી આજે સવારે રોબર્ટ વાઢેરાને મળેલી આંશિક રાહત બપોર સુધીમાં ફરી નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. કારણ કે, કોર્ટે ઇડીને પુછપરછ પર પ્રતિબંધ મુકવા માટેની દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું છે કે, રોબર્ટ વાઢેરાને તપાસમાં સહકાર આપવાની જરૂર છે. ઇડી સમક્ષ ઉપસ્થિત થવા રોબર્ટ વાઢેરાને સૂચના આપી દેવામાં આવી છે. રોબર્ટ વાઢેરાનો હાલમાં લાંબી પુછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે. મની લોન્ડરિંગ મારફતે લંડન અને દુબઈમાં સંપત્તિ ખરીદવાની સાથે સાથે વાઢેરા ઉપર રાજસ્થાનમાં જમીન કૌભાંડનો પણ આક્ષેપ થયેલો છે. આ તમામ મામલા પર ઇડી દ્વારા અનેક વખત પુછપરછ કરવામાં આવી ચુકી છે.
બીજી બાજુ વાઢેરાએ ફેસબુક પર ખુબ સક્રિય રહીને પોતાના ઉપર મુકવામાં આવેલા તમામ આક્ષેપોને રદિયો આપ્યો છે. સાથે સાથે ભવિષ્યમાં રાજનીતિમાં એન્ટ્રી કરવાનો પણ સંકેત આપ્યો છે. સપ્તાહની શરૂઆતમાં જ વાઢેરા જે રાહતની આશા રાખી રહ્યા હતા તે આશા સફળ રહી ન હતી. ઇડીની સમક્ષ સતત હાજરી આપવી પડશે. વાઢેરાએ પોતાના ફેસબુક પોસ્ટ મારફતે પોતાને નિર્દોષ તરીકે ગણાવીને અનેક પોસ્ટ લખ્યા છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પુછપરછ પર પ્રતિબંધ મુકવાની વાઢેરાએ માંગ કરી હતી પરંતુ કોર્ટમાંથી કોઇ રાહત મળી શકી નથી.
બીજી બાજુ પ્રિયંકા વાઢેરા રાજકારણમાં પ્રવેશી ગયા બાદ પતિ રોબર્ટ વાઢેરાએ પણ રાજનીતિમાં આવવાનો સંકેત આપ્યો છે અને કહ્યું છે કે, યોગ્ય સમયે આ અંગે નિર્ણય કરવામાં આવશે. રાજનીતિમાં આવવા માટે ઉતાવળમાં કોઇ નિર્ણય કરશે નહીં. વાઢેરાએ રવિવારના દિવસે એક ફેસબુક પોસ્ટમાં રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ લોકોની સેવા માટે વધારે મોટી ભૂમિકા માટે વિચારી રહ્યા છે.