લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુંભમાં ડૂબકી લગાવવા અને સફાઈ કર્મચારીઓના પગ ધોવાને લઇને વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. માયાવતીથી લઇને અખિલેશ અને ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરે આને ચૂંટણી ચાલ તરીકે ગણાવી છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રહાર કરતા કહ્યું છે કે, કુંભમાં પવિત્ર ડુબકી લગાવવાથી પાપ ધોવાશે નહીં. અખિલેશે કહ્યું હતું કે, મિડિયાના લોકો પણ મોદીને બિનજરૂરીરીતે સહકાર આપી રહ્યા છે.
માયાવતીએ કહ્યું હતું કે, સંગમમાં શાહી સ્નાન કરવા મોદી સરકારની જનતાની સાથે કરવામાં આવેલી વિશ્વાસઘાતની ગતિવિધિથી પાપ ધોવાશે નહીં. જીએસટી અને નોટબંધીની માર ઝેલી ચુકેલી પ્રજા સરળતાથી સરકારને માફ કરશે નહીં. માયાવતીએ પોતાના ટ્વિટર હેન્ડલથી આક્ષેપ કરતા કહ્યું છે કે, ચૂંટણીના સમયે સંગમમાં પવિત્ર સ્નાન કરવાથી લોકો મોદી સરકારને માફ કરશે નહીં. લોકો ભાજપ શાસનમાં નોટબંધી, જીએસટી, સાંપ્રદાયિકતા, જાતિવાદથી પરેશાન છે. અખિલેશે કહ્યું હતું કે, માત્ર ડુબકી લગાવવાથી તમામ બાબત થશે નહીં.