નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૫એની કાયદેસરતાને પડકાર ફેંકતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ સપ્તાહમાં જ સુનાવણી કરવામાં આવનાર છે. કોર્ટ ૨૬-૨૮મી ફેબ્રુઆરીના દિવસે મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે કલમ ૩૫એ હેઠળ જમ્મુ કાશ્મીરમાં ત્યાંના મુળ નિવાસી સિવાય દેશના કોઇ અન્ય હિસ્સાના નાગરિકો રાજ્યમાં સંપત્તિની ખરીદી કરી શકે નહીં. મોદી સરકાર સામાન્ય ચૂંટણી પહેલા આર્ટિકલ ૩૫એ પર કઠોર વલણ અપનાવી શકે છે. આર્ટિકલ ૩૭૦ને દુર કરવાની બાબત હમેંશા રાજકીય સ્ટેન્ડ પણ નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે તે પહેલા સીઆરપીએફની ૪૫, બીએસએફની ૩૫, એસએસપીની ૧૦ અને આઈટીબીપીની ૧૦ કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે.
રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ પણ ૩૫એ હેઠળ લોકો મેળવી શકે તેવી સ્થિતિમાં નથી. અહીંની સંપત્તિ ખરીદી પણ શકવાની સ્થિતિમાં નથી. પુલવામા હુમલા બાદ દેશના લોકો આ કલમને દૂર કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ સુનાવણી મહત્વપૂર્ણ બની છે. અલગતાવાદી નેતાઓ બંધની હાકલ કરી રહ્યા છે. રાજ્યમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાત્રિ ગાળામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સેન્સરશીપ પણ લાગૂ કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસે પણ ખાસ સૂચના જારી કરી છે જેમાં તમામ પબ્લિક હેલ્થ ચીફ મેડિકલ ઓફિસરને તમામ જિલ્લામાં દવા અને બીજી ચીજો સપ્લાય કરવા કહેવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામા આવનાર સુનાવણી પહેલા જુદા જુદા પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.