દેશમાં પ્રભાવશાળી નેતા કાયદાઓ સાથે ચેડા કરતા રહ્યા છે. વિતેલા વર્ષોમાં પણ ચેડા થયા હતા અને આજે પણ થઇ રહ્યા છે. ક્યારેક એન્ડરસન તો ક્યારેય ક્વાત્રોચી ક્યારેય લલિત મોદી, ક્યારેય વિજય માલ્યા અને હવે હિરા કારોબારી નીરવ મોદીએ આ તથ્ય પર મંજુરીની મહોર મારી દીધી છે કે જા પ્રભાવશાળી લોકો આપની પાસે છે અથવા તો આપના ખિસ્સામાં વધારે પૈસા છે તો દેશના કાયદા આપનુ કશુ જ કરી શકવાની સ્થિતીમાં નથી. કેટલા પણ કોંભાડ કરી લો, બેંકોના પૈસા લઇને ખાઇ જાઓ, તો પણ આપનુ કઇ પણ ખરાબ થઇ શકે તેમ નથી. એવુ બની શકે છે કે દેખાડવા પુરતુ સેબી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાણાં મંત્રાલય એક બે નોટીસ ફટકારી દે પરંતુ હકીકતમાં કોઇ પગલા લેવાની સ્થિતી નથી. હજારો કરોડ રૂપિયાની લોન લઇને નહી ચુકાવ્યા હોવા છતાં વિજય માલ્યા વિદેશ ફરાર થઇ ગયા હતા. હવે નીરવ મોદી પીએનબી ફ્રોડ બાદ વિદેશ ફરાર થઇ ગયા છે. નીરવ મોદીએ સાબિતી આપી દીધી છે કે આવા મામલામાં તમામ સરકારોનુ વલણ એક સમાન રહે છે. લલિત મોદી જ્યારે વિદેશ ભાગી ગયા ત્યારે કેન્દ્રમાં મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી અને જ્યારે વિજય માલ્યા અને નીરવ મોદી વિદેશમાં ફરાર થઇ ગયા છે ત્યારે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર છે. લલિત મોદીના મામલે ભાજપ દ્વારા આજ સુધી યુપીએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ભાજપે એવા આક્ષેપ કર્યા હતા કે યુપીએના શાસનમાં લલિત મોદી વિદેશ ફરાર થઇ ગયા હતા.
હવે જ્યારે માલ્યા અને નીરવ મોદી વિદેશ ભાગી ગયા છે ત્યારે કેન્દ્રમાં મોદી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હૈરાન કરનાર બાબત એ છે કે નીરવ મોદી, લલિત મોદી અને માલ્યા એક દિવસમાં ભાગી ગયા નથી. લાગે છે કે બન્નેને ભાગી જવા માટે પુરતી તક આપવામાં આવી હતી. પરેશાન કરનાર બાબત એ છે કે આટલો હલ્લો થયો હોવા છતાં નીરવ મોદી અને માલ્યાને ભાગી જવાની તક કઇ રીતે મળી ગઇ હતી. નીરવ મોદી, માલ્યાને રોકવાના પ્રયાસ કેમ કરવામાં આવ્યા ન હતા. નીરવ મોદી તો સમગ્ર મામલો ખુલે તે પહેલા જ વિદેશ જતા રહ્યા હતા. જ્યારે ૧૭ બેંકો દ્વારા માલ્યાને વિદેશ જતા રોકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જા કે માલ્યા અરજી કરવામાં આવે તે પહેલાજ ફરાર થઇ ગયા હતા.
એટલે કે માલ્યાને આ અંગે માહિતી હતી કે તેમને વિદેશ જતા રોકવામાં આવી શકે છે. જેથી તેઓ પહેલાથી જ ફરાર થઇ ગયા હતા. આ માત્ર નીરવ મોદી, લલિત મોદી અને માલ્યાની વાર્તા નથી. દેશમાં મોદી અને માલ્યા જેવા કેટલાક મોટા નામ હમેંશા સપાટી પર આવતા રહ્યા છે. જે બેંકોના અથવા તો દેશની જનતાના નાણાને લઇને વિદેશ ફરાર થઇ ગયા હતા. અને આજે પણ વિદેશમા ંકોઇ જગ્યાએ મૌજ કરી રહ્યા છે. આમાંથી કોઇ ડિફોલ્ટર થઇને કાયદાના સકંજામાંથી ભાગી રહ્યા છે. જ્યારે અન્ય કોઇ વિદેશમાં જઇને કાયદા સાથે રમત રમી રહ્યા છે. બેંક મેનેજમેન્ટ પોતાના પૈસાની વસુલી નહી થવાના કારણે હેરાન પરેશાન છે. પરંતુ વસુલી કઇ રીતે થાય તેનો રસ્તો મળી રહ્યો નથી.