અમદાવાદ :રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ૭મી માર્ચથી શરૂ થનારી છે. તે પહેલા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર સામે આવી ગયા છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ઘડી નજીક આવી ગઇ છે. આગામી તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ સોમવારે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ મેળવી શકશે. બોર્ડ દ્વારા રાજયના નિયત જિલ્લા વિતરણ કેન્દ્રો પર હોલ ટિકિટ વિતરણ માટેની ખાસ વ્યવસ્થા પણ કરી છે. આ વ્યવસ્થાને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીઓએ સમયસર પોતાની હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટિકીટના વિતરણ માટે દરેક જીલ્લામાં સ્કૂલો નક્કી કરવામાં આવી છે, જ્યાંથી તમામ સ્કૂલોએ હોલ ટીકિટ મેળવી લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે. હંમેશાં બોર્ડની પરીક્ષા પહેલા માતા-પિતાને કંઇ સ્કૂલમાં પોતાના બાળકનો નંબર આવશે તેને લઇને ટેન્શન હોય છે. વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પોતાનો નંબર કંઇ સ્કૂલમાં આવશે તેને લઇને ઉતાવળા બનેલા હોય છે. ત્યારે શિક્ષણ બોર્ડે હોલ ટિકિટના વિતરણની તારીખ જાહેર કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓનું ટેન્શન દૂર કરી નાખ્યું છે.
તા.૨૫મીએ સોમવારે રાજ્યના તમામ જીલ્લાના વિતરણ કેન્દ્રો પર ધો.૧૦, ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાની હોલ ટીકિટોનું વિતરણ સ્કૂલોને કરવામા આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને હોલ ટિકીટની ફાળવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ સ્કૂલો નક્કી કરવામાં આવી છે. જેમાં દિવાન બલ્લુભાઇ, એરોમા અને શ્રીજી વિદ્યાલયનો સમાવેશ થાય છે. આ વર્ષે ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરીક્ષામા અંદાજે ૧૭.૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.