નવી દિલ્હી : ભારતીય રેલવે પોતાના વ્યાપક વિસ્તરણની એક યોજના પર કામ કરી રહ્યુ છે. ફ્રેટ કેપિસિટીબે બે ગણી કરવાની સાથે સાથે હાઇસ્પીડ ટ્રેનો માટે આશરે ૬૦૦૦ કિલોમીટર લંબાઇવાળા ૧૦ નવા કોરિડોર બનાવવા પર વિચારણા ચાલી રહી છે. રેલવે દ્વારા કેબિનેટને એક દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.આ દરખાસ્તમાં ૧૦ સુચિત બુલેટ ટ્રેન કોરિડોર બનાવવા માટે ફિજિબિલીટી સ્ટડી અને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવા માટે મંજુરી આપવા માટેની માંગ કરવામાં આવી છે. આ કોરિડોરમાં દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકતા, દિલ્હી-અમૃતસર, પટણા-કોલકત્તા અને ચેન્નાઇ-બેંગલોરનો સમાવેશ થાય છે.
સુત્રોએ કહ્યુ છે કે આ યોજનાના અમલીકરણમાં ૧૦ વર્ષનો સમય લાગી શકે છે. જેમાં ૧૦ લાખ કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. સુત્રોએ કહ્યુ છે કે આ યોજના હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. હાલના સમયમાં અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ કોરિડોર પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. યોજનાથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે રેલવેનુ હાલમાં ધ્યાન ૧.૨ લાખ કિલોમીટર લાંબા રેલવે નેટવર્ક પર ૧૭૦૦૦ કોમીટર લાંબા નેટવર્કને ઉમેરી દેવા પર કેન્દ્રિત છે.
જેમાં પાંચ લાખ કરોડથી વધારેનુ રોકાણ કરવામાં આવનાર છે. માર્ગો પર પણ કામ કરી શકાય તેના હેતુ પણ રાખવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઇ ડીએફસી લાઇન પર ત્રણ નવા ફ્રેટ કોરિડોર બનાવવા માટેના પાસા પર ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. જેના પર હાલમાં કામ ચાલી રહ્યુ છે.