નવીદિલ્હી-શિયોલ : ભારત અને દક્ષિણ કોરિયાએ આજે સાત સમજૂતિ ઉપર સહીસિક્કા કર્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મિડિયા, સ્ટાર્ટ અપ, ઇન્ટરનેશનલ ક્રાઈમ અને ટ્રાન્સ બોર્ડર ગુનાઓને રોકવા સહિતના મુદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની ઐતિહાસિક યાત્રા દરમિયાન મોદી પહોંચી ચુક્યા છે જ્યાં તેઓએ દક્ષિણ કોરિયાના પ્રમુખ મુનના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજી હતી. મુનના સત્તાવાર નિવાસસ્થાન અને કારોબારી ઓફિસ બ્લુ હાઉસમાં સત્તાવાર અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતં જ્યાં તેમનું લાલઝાઝમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગને પણ મળ્યા હતા. વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહિત જદા જુદા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધારવા માટે બંને દેશોના નેતાઓ વચ્ચે રચનાત્મક મંત્રણા યોજાઈ હતી. ત્યારબાદ સાત સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, બંને નેતાઓની ઉપસ્થિતિમાં સાત સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કોરિયન નેશનલ પોલીસ એજન્સી અને ગૃહ બાબતોના મંત્રાલય વચ્ચે એમઓયુ થયા છે જેના ભાગરુપે બંને દેશોની લો એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ સહકાર કરશે. અન્ય સમજૂતિ વિવિધ વિષયો ઉપર રહેલી છે. ભારતમાં કોરિયન કંપનીઓ દ્વારા મૂડીરોકાણ માટે વ્યવસ્થા કરનાર કોરિયા પ્લસ ઓર્ગેનાઇઝેશનના ઓપરેશનને જારી રાખવા ઉપર પણ સમજૂતિ થઇ હતી. બંને દેશો સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપનાર છે. વિચારો, ટેકનોલોજીની આપલે માટે ભારતમાં કોરિયા સ્ટાર્ટઅપ સેન્ટરની રચના કરવામાં આવશે. કોરિયન બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ અને પ્રસાર ભારતી દક્ષિણ કોરિયામાં ડીડી ઇન્ડિયા ચેનલના પ્રસારણ ઉપર પણ સહમત થયા છે જ્યારે ભારતમાં કેબીએસનું પ્રસારણ કરવામાં આવશે.
કોરિયન બ્રોડકાસ્ટ અહીં દર્શાવવામાં આવશે. માછીમારો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં પણ સમજૂતિ થઇ છે. રોડ અને પરિવહનના માળખામાં સહકાર કરવા માટે પણ સમજૂતિ થઇ છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટોમાં તેની મદદ લેવામાં આવશે. માર્ગ અને પરિવહનના ક્ષેત્રમાં ટેકનિકલ અને ઇન્સ્ટીટ્યુશનલ નોલેજ એક્સચેંજને લઇને પણ સમજૂતિ થઇ છે. મોદીએ આ પ્રસંગે ભારતની યાત્રા કરવા મૂનને આમંત્રણ આપ્યું હતું. ૨૦૧૫ બાદ મોદીની દક્ષિણ કોરિયાની આ બીજ યાત્રા છે.