અમદાવાદ : આજ રોજ ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ શક્તિકેન્દ્ર ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓની વચ્ચે શક્તિકેન્દ્ર વિસ્તારકોને કિટ વિતરણ કરીને અલ્પકાલીન વિસ્તારક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આગામી લોકસબા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો જીતવા સૌ કાર્યકર્તાઓને હાકલ કરી હતી. વધુમાં આજથી ગુજરાતભરમાં શરૂ થયેલ અલ્પકાલીન વિસ્તારક યોજના તારીખ ૨૧ ફેબ્રુઆરીથી તારીખ ૨ માર્ચ સુધી તમામ અલ્પકાલિન વિસ્તારકો પોતાના શક્તિકેન્દ્ર પર સમયસર પહોંચવાનો અનુરોધ કરી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રથમ દિવસે શક્તિકેન્દ્રમાં સમાવિષ્ટ મંડળના કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે સંપર્ક કરી ભાજપનો ધ્વજ તથા સ્ટીકર ચોટાડી મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાન થકી મારુ બુથ સૌથી મજબૂત અભિયાનને સાકાર કરી ગુજરાતમાં તમામ બુથ જીતીને નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતિ અપાવી એક વાર ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે સંકલ્પ લેવા જણાવ્યું હતું.
ભાજપા સંગઠન દ્વારા તમામ ૨૬ લોકસભાની ક્લસ્ટર બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતના ૯૫૦૦ જેટલા શક્તિકેન્દ્રના પ્રમુખો, ઇન્ચાર્જા, વિસ્તારકો પોતાના બૂથમાં ઘરે ઘરે જઈ નરેન્દ્ર મોદી સરકારની સીમાચિન્હરુપ યોજનાઓનો મતદાર સમક્ષ સાહિત્ય, પત્રિકા આપીને પ્રચાર-પ્રસાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન જનને જ્ઞાતિ-જાતિ-ધર્મ સંપ્રદાયના વાડાઓને તોડી સમગ્ર દેશને જોડનારી યોજના થકી ભારત માતા વિશ્વ ગુરુ બનશે.
અંતમાં જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને આડા હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર હવાતીયા મારી રહી છે, સત્તા પ્રાપ્તિ માટે બેફામ અને પાયાવિહોણા નિવેદનો કરી રહી છે. સરદાર પટેલનું વારંવાર અપમાન કરી ગુજરાતની છ કરોડ જનતાનું અપમાન કરેલ છે જ્યારે ભાજપનો કાર્યકર જમીન સાથે જોડાયેલો છે અને જમીન પર કામ કરવાનું સુપેરે જાણે છે.