લખનૌ : લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટ અને બહુજન સમાજ પાર્ટીએ બેઠકોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. કઈ સીટ ઉપર કઈ પાર્ટી લડશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. સપા અને બસપા વચ્ચે ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા સીટો માટે ગઠબંધન થયું છે. આ બંને પાર્ટીઓએ અડધી અડધી સીટો ઉપર લડવાની જાહેરાત કરી છે. પાર્ટીની સીટો સાથી પક્ષો માટે છોડવામં આવી છે. ૮૦ સીટોમાંથી અમેઠી અને રાયબરેલી કોંગ્રેસ માટે છોડવામાં આવી છે.
રાષ્ટ્રીય લોકદળને ત્રણ સીટો આપવામાં આવી છે. આરએલડીને મથુરાના હિસ્સામાં તેની પરંપરાગત મથુરા, બાગપત અને મુઝફ્ફરનગર સીટો આપવામાં આવી છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મોટાભાગની સીટ સમાજવાદી પાર્ટી અને પૂર્વીય ઉત્તરપ્રદેશની મોટાભાગની સીટો બહુજન સમાજ પાર્ટી લડશે. બંને પાર્ટી વચ્ચે થયેલી વહેંચણીમાં અનુસૂચિત જાતિ માટે અનામત સીટો ઉપર બસપનું પ્રભુત્વ રહ્યું છે. યુપીની ૮૦ સીટો પૈકી કુલ ૧૭ સીટો એવી છે જે અનુસૂચિત જાતિ માટે અનામત છે. આમાથી બસપના હિસ્સામાં ૧૦ અને સપાના હિસ્સામાં સાત સીટો આવી છે.
આ ઉપરાંત ૨૦૧૪માં જે પાંચ લોકસભા સીટો ઉપર સમાજવાદી પાર્ટીની જીત થઇ હતી તે સીટોમાંથી પણ સપાના ખાતામાં આવી છે. પ્રદેશની ત્રણ સીટો કેરાના, ગોરખપુર અને ફુલપુર પર પેટાચૂંટણીમાં ગઠબંધનને જીત મળી હતી. કેરાનામાં સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર આરએલડીના ઉમેદાર મેદાનમાં ઉતર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી તેમને પડકાર આપવા માટે સપા ઉમેદવાર ઉતરશે. પાટનગર લખનૌ, યોગીના મતવિસ્તાર ગોરખપુર, ઉદ્યોગનગરી કાનપુર, અલ્હાબાદ, ફૈઝાબાદ અને ગાઝિયાબાદમાં સપા ચૂંટણી લડશે. સહારનપુર સીટ ઉપર બસપ ચૂંટણી લડશે. આગરા, મેરઠ, ગાઝીપુર, બુલંદશહેર અને સુલ્તાનપુરમાં બસપના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે.