ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે. વર્ષ-૨૦૦૯થી અમલમાં આવેલી આ યોજનામાં વર્ષ-૨૦૧૭-૧૮ સુધીમાં ૨૪ હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઇ દ્વારા શહેરો-નગરોના આંતરમાળખાકીય વિકાસ કામો સાથે આગવી ઓળખના કામો દ્વારા રાજ્યના શહેરો-નગરોના કલેવર બદલાઇ ગયા છે.
શહેરના સર્વાંગી વિકાસ માટેની આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૦૯માં શરૂઆત કરવામાં આવી. યોજનાના પ્રથમ તબક્કામાં વર્ષ-૨૦૦૯-૨૦૧૪ના પાંચ વર્ષ દરમિયાન રૂ. ૭,૦૦૦ કરોડ અને વર્ષ-૨૦૧૨-૨૦૧૭ના પાંચ વર્ષના બીજા તબક્કામાં બમણાંથી વધુ એટલે કે રૂ.૧૫૦૦૦ કરોડ મળી કુલ રૂ. ૨૨ હજાર કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી હતી. એટલું જ નહીં વર્ષ-૨૦૧૭-૧૮માં આ યોજના અંતર્ગત રૂ.૨૭૯૧.૨૭ કરોડની બજેટ જોગવાઇ કરાઇ હતી. આમ, આ યોજના શરૂ થઇ ત્યારથી એટલે કે વર્ષ-૨૦૦૯થી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૪,૭૯૧.૨૭ કરોડની બજેટ જોગવાઇ શહેરોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી હોવાનું નિયામક, નગરપાલિકાઓની કચેરીના નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરના કામો, ટ્રાફિક વ્યવસ્થા, ફલાય ઓવરબ્રીજ, આંગણવાડી વગેરે જેવા આંતરમાળખાકીય વિકાસના કામો ઉપરાંત બગીચા, સ્વીમીંગ પુલ, ટાઉનહૉલ, હેરીટેજના કામો, તળાવનો વિકાસ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વગેરે આગવી ઓળખના કામો કરવામાં આવે છે. આ સિવાય ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી દ્વારા માળખાકીય સુવિધાના કામો, નગર સેવા સદનના મકાન બાંધકામ-મરામતના કામો પણ આવરી લેવાય છે. રાજ્યની મહાનગરપાલિકામાં આ યોજના અંતર્ગત રૂ.૧૨,૩૩૪ કરોડના ૧૧,૨૯૭ કામોને વહીવટી મંજૂરી અપાઇ હતી તે સામે રૂ.૧૦,૫૫૧ કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હતી અને વિકાસના ૯,૫૮૮ કામો પૂર્ણ કરાયા અને ૧,૩૪૬ કામો પ્રગતિ હેઠળ છે. આ કામમાં સૌથી મહત્વના એવા ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓને અંદાજે રૂ.૨૪૦ કરોડના ભૂગર્ભ ગટરના કામોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના આગવી ઓળખના રૂ.૧,૪૪૨ કરોડના ૪૨ કામોમાંથી અમદાવાદમાં વી.એસ. મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ, ગર્લ્સ હોસ્ટેલ, યુજી હોસ્ટેલ, ગોતા-ગોધાવી કેનાલ, નર્મદા કેનાલથી કોતરપુર વોટર વર્કસ સુધીની ગ્રેવીટી લાઇન, કેબલ સ્ટેઇડ બ્રીજ, ઓડિટોરીયમ, આઉટ ડોર સ્ટેડીયમ, લેક અને ગાર્ડન ડેવલપમેન્ટ, સ્વીમીંગ પુલ, ટાઉનહોલ, રીવરફ્રન્ટ કન્વેન્શન સેન્ટર, જામનગરમાં લાખોટા કોઠા રીસ્ટોરેશન, રણમલ તળાવ વિકાસ, જોગીંગ ટ્રેક, મ્યુઝીકલ ફાઉન્ટેન, લેસર શૉ, ઉપરાંત હેરીટેજના કામોનો પણ સમાવેશ થાય છે. જેમાં જૂનાગઢ ખાતે દામોદર કુંડ વિકાસ, દિવાન ચોક, સર્કલ ચોક, મજેવડી દરવાજા, નરસિંહ મહેતાના ચોરાનો વિકાસ જેવા કામોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત આંગણવાડીના મકાનોના બાંધકામ માટે ૧૯૬૧ યુનિટના લક્ષ્યાંક સામે રૂ.૧૪૫.૭૫ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી છે. જે પૈકી આંગણવાડીના બાંધકામના ૧,૪૯૨ કામો પૂર્ણ થયા છે અને ૨૩૧ કામો પ્રગતિ હેઠળ હોવાનું યાદીમાં જણાાવાયું છે.