નવી દિલ્હી : રિટાયર્ડમેન્ટ ફંડ બોડી (ઇપીએફઓ) દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે પોતાના છ કરોડથી વધારે ધારકોના ઇપીએફ ઉપર વ્યાજદરને વધારી દેવાનો આજે નિર્ણય કર્યો હતો. ઇપીએફ ઉપર વ્યાજદરને ૮.૫૫ ટકાથી વધારીને ૮.૬૫ ટકા કરી દેવામાં આવ્યો છે. ૦.૧૦ ટકાનો ઇપીએફ વ્યાજદરમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજનો દર ૮.૫૫ ટકા હતો. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવતા છ કરોડથી વધુ ધારકોને ફાયદો થશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે કહ્યું હતું કે, ઇપીએફઓ દ્વારા ૨૦૧૮-૧૯ માટે પીએફ થાપણ ઉપર ૮.૬૫ ટકા વ્યાજદર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રમ મંત્રીના નેતૃત્વમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા દ્વારા નાણાંકીય વર્ષ માટે પીએફ થાપણ ઉપર વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવે છે.
સીબીટી દ્વારા આ નિર્ણય કરવામાં આવે છે. શ્રમમંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે, સીબીટી દ્વારા મંજુર કરવામાં આવેલી દરખાસ્તને નાણામંત્રાલયની મંજુરીની જરૂર હોય છે. નાણામંત્રાલયની મંજુરી મળી ગયા બાદ ગ્રાહકોના ખાતામાં સીધીરીતે આ વ્યાજદર જમા કરવામાં આવે છે. ઇપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે તેના ગ્રાહકોને ૮.૫૫ ટકાનું વ્યાજદર આપવામાં આવી રહ્યું હતું જે પાંચ વર્ષની નીચી સપાટીનો હતો. ૨૦૧૬-૧૭માં વ્યાજદર ૮.૬૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા વ્યાજદર હતો જ્યારે ૨૦૧૩-૧૪માં ૮.૭૫ ટકા વ્યાજદર હતો. સાથે સાથે ૨૦૧૪-૧૫માં વ્યાજદર ૮.૭૫ ટકા હતો. ૨૦૧૨-૧૩મં વ્યાજદર ૮.૫ ટકાનો હતો. આનો મતલબ એ થયો કે, ઇપીએફઓ દ્વારા ૨૦૧૭-૧૮માં તેના ધારકોને ૮.૫૫ ટકાનો વ્યાજદર અપાયો તો જે સૌથી નીચો વ્યાજદર હતો.
ઇપીએફઓ ટ્રસ્ટી દ્વારા શેરબજારમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા મૂડીરોકાણમાં દેખાવની સમીક્ષા કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૬માં ઇપીએફઓ દ્વારા એક્સચેજ ટ્રેડેડ ફંડમાં રોકાણની શરૂઆત કરવામાં આવી હતી. ઇટીએફમાં દર વર્ષે ૧.૫ કરોડ રૂપિયાની થાપણ પૈકી ૧૫ ટકાનું રોકાણ કરવામાં આવે છે. હજુ સુધી ઇપીએફમાં ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી ચુક્યું છે. સંતોષ ગંગવાર દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઇપીએફઓની ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રાલયની મંજુરી બાદ આને જમા કરવામાં આવનાર છે.