જમ્મુમાં સ્થિતી હજુ પણ તંગ છતાં સંચારબંધીમાં છુટછાટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ : પુલવામામાં આતંકવાદી હુમલા બાદ આજે સાતમાં દિવસે પણ જમ્મુમાં સ્થિતી અજંપાભરી રહી હતી. સ્થિતી તંગ હોવા છતાં લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે સંચાબંધીમાં આજે રાહત આપવામાં આવી હતી. શહેરના તમામ ક્ષેત્રોમાં આજે સંચારબંધી સવારે આઠથી લઇને સાંજ સુધી ઉઠાવી લેવામાં આવી હતી. ઇન્ટરનેટ સેવા હાલમાં બંધ રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજીને સ્થિતિને હળવી કરવાના પ્રયાસ જારી રાખ્યા છે. વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે જમ્મુ યુનિવર્સિટીએ હાલની પરીક્ષાને મોકુફ રાખી છે.

હવે આ પરીક્ષાઓ આગામી દિવસોમાં યોજાશે. જમ્મુ-સાંબા કથુઆ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ વિનોદ ગુપ્તાએ કહ્યું હતું કે જમ્મુ ક્ષેત્રમાં સંચારબંધી લાગુ કરવામાં આવ્યા બાદ તેમાં હવે રાહત આપવામાં આવી રહી છે.  હજુ સુધી કોઈપણ અનિચ્છનિય ઘટના બની નથી. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું છે કે આજે બીજી નવ સુરક્ષા ટુકડીઓને ગોઠવી દેવામાં આવી છે. આ પહેલા શુક્રવારના દિવસે પણ સુરક્ષા ટુકડીઓ ગોઠવાઈ હતી. ગુરૂવારના દિવસે પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. આતંકી ઘટનાના વિરોધમાં ગયા શુક્રવારના દિવસે પણ જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર રહ્યો હતો.

અનેક જગ્યાઓએ વાહનો ફુંકી દેવામાં આવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં લઈને  પણ સંચારબંધી અકબંધ રાખવામાં આવી હતી.  જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો મોરચા સંભાળી ચુક્યા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી હજુ પણ જારી રહે તેવી શક્યતા છે. હાલ સુરક્ષા દળો સાવચેતીના પગલા અમલી રાખનાર છે.

Share This Article