નવી દિલ્હી : પુલવામામાં આતંકવાદી હુમલાને લઇને દુનિયાભરના મહત્વપૂર્ણ દેશો તરફથી ભારતને ટેકો મળી રહ્યો છે. હવે સાઉદી અરબે પણ આતંકવાદ સામેના જંગમાં ભારતનો સાથ આપવાની વાત કરી છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મામલા પર આજે કહ્યું હતું કે, અમે ભારતની સાથે દરેક પ્રકારના સહકાર માટે તૈયાર છીએ. સલમાને કહ્યું હતું કે, અમે ઇન્ટેલીજન્સથી લઇને અન્ય ચીજા સુધી સાથ આપવા માટે તૈયાર છીએ. આ પહેલા વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ હુમલો દુનિયામાં છવાયેલા આતંકવાદી ખતરાના બર્બરતાની નિશાની છે.
મોદીએ કહ્યું હતું કે, અમે આ બાબત ઉપર સહમત છીએ કે આતંકવાદને સમર્થન આપી રહેલા દેશો ઉપર દબાણ લાવવામાં આવે તે જરૂરી છે. આતંકવાદની સામે મજબૂત કાર્યયોજનાની જરૂર દેખાઈ રહી છે. ત્રાસવાદી તાકાતો યુવાનોને ગેરમાર્ગે ન દોરી શકે તે માટે પગલા લેવાની જરૂર છે. મોદીએ કહ્યું હતું કે, સાઉદી અરબ અને અમે આ સંબંધમાં એક સમાન અભિપ્રાય ધરાવીએ છીએ. કાઉન્ટર ટેરેરિઝમ, દરિયાઈ સુરક્ષા અને સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સંબંધ વધારે મજબૂત થશે. અમારા આમંત્રણને સ્વીકાર કરવા બદલ તેઓ ક્રાઉન પ્રિન્સનો આભાર માને છે. ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ભારત આવ્યા છે. પ્રતિનિધિમંડળ સાથે તેઓ પ્રથમ વખત આવ્યા છે. અમારા સંબંધો હજારો વર્ષો જુના છે.
છેલ્લા ૫૦ વર્ષમાં સંબંધો વધારે મજબૂત થયા છે. મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે, સાઉદી અરબમાં મોદી ૨૦૧૬માં પહોંચ્યા હતા. ત્યારથી લઇને હજુ સુધી અનેક સફળતાઓ હાંસલ કરવામાં આવી છે. ૪૪ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા સહમતિ દર્શાવી છે. ડાયવર્સીફિકેશન પર અમે કામ કરી રહ્યા છે. ભારત સાથે સહકાર કરવા માટે ઇચ્છુક છીએ. આ પહેલા પાકિસ્તાનની યાત્રામાં સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યં હતું કે તેઓ ૨૦ અબજ ડોલરના મૂડીરોકાણનું વચન આપી ચુક્યા છે. મોદીએ કહ્યું હતું કે, સાઉદી અરબના નાગરિકો માટે ઇવિઝાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભારતીયો માટે હજ ક્વોટામાં વધારો કરવા માટે અમે આભારી છીએ. ૨.૭ મિલિયન ભારતીયાની સાઉદી અરબમાં શાંતિપૂર્ણ ભાગીદારી માટે અમે આભાર માનીએ છીએ.
અમારા અર્થતંત્રમાં સાઉદી અરબથી સંસ્થાગત મૂડીરોકાણને જગ્યા આપવા માટે અમે સહમત થયા છીએ. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં સાઉદના મૂડીરોકાણનું અમે સ્વાગત કરીએ છીએ. ૨૦૩૦ મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ પહેલ કરી રહ્યા છીએ. પાકિસ્તાન ઉપર તેજાબી પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત આતંકવાદનો ભોગ બને છે. તેમણે માંગ કરી હતી કે, તમામ દેશોએ આતંકવાદના સ્વરુપને ફગાવી દેવા માટે આગળ આવવું જાઇએ. આતંકવાદીઓને મળતા નાણા ઉપર બ્રેક મુકાવી જાઇએ.