નવી દિલ્હી : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક આજે મળી હતી જેમાં નિર્માણ હેઠળના રિયલ એસ્ટેટ માટે રેટમાં સુધારા અંગે નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. હવે આગામી કાઉન્સિલની બેઠક ૨૪મી ફેબ્રુઆરીના દિવસે મળશે. નાણામંત્રી અરુણ જેટલીએ વાયા વિડિયો કોન્ફરન્સ મારફતે આ બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે, કાઉન્સિલ રવિવારના દિવસે રિયલ એસ્ટેટ ઉપર કોઇ નિર્ણય કરી શકે છે. રિયલ એસ્ટેટ અંગે તેની અંતિમ ભલામણમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જીઓએમ દ્વારા નિર્માણ હેઠળના આવાસો ઉપર જીએસટીના રેટ ઘટાડવાની તરફેણ કરવામાં આવી હતી.
આ ભલામણ સોમવારના દિવસે સુપ્રત કરવામાં આવ્યા બાદ આમા નિર્માણ હેઠળના આવાસ ઉપર જીએસટી રેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની વાત કરાઈ હતી. આવી જ રીતે સસ્તા આવાસ જે નિર્માણ હેઠળ છે તે માટે રેટ આઠ ટકાના ઇનપુટ ટેક્સ ક્રેડિટના બદલે ૩ ટકા કરવાની વાત કરવામાં આવી હતી. બિલ્ડરો ઉપર કેટલીક શરતો લાગૂ કરવામાં આવી છે જે પૈકી તેમને પણ આનાથી ફાયદો થઇ શકે છે.
અધિકારીઓએ કહ્યું છે કે, ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરથી તેમના ઇનપુટ પૈકી ૮૦ ટકા ઇનપુટની ખરીદી કરવા કહેવામાં આવી ચક્યું છે. રાજ્યો માટે મોટી રાહતમાં કાઉન્સિલ રાજ્યોના નાણામંત્રીઓના અભિપ્રાય લેવા ઉપર સહમત થયા હતા. અગાઉ રાજ્યોના નાણામંત્રીઓ પૈકીના કેટલાક નાણામંત્રીઓએ કહ્યું હતું કે, જીએસટી માળખુ જે લોટરી માટે છે તેમાં પણ ફેરફાર કરવાની જરૂર નથી. પ્રવર્તમાન વ્યવસ્થા વિસ્તૃત વિચારણા કરવામાં આવ્યા બાદ જ અમલી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ લોટરી માટે જીએસટ માળખાના કોઇ ફેરફાર કરવાનો વિરોધ કર્યો હતો.