નવી દિલ્હી : રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. તેમને પોતાના ગ્રુપના બે ડિરેક્ટરોની સાથે જેલમાં જવાની ફરજ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી પર અનિલ અંબાણીને તિરસ્કારના મામલે દોષિત ઠેરવ્યા છે. મામલો એરિક્શન ઇન્ડિયાને ૫૫૦ કરોડ રૂપિયા ચુકવવાનો છે. અત્રે નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્યની સામે બાકી રકમની ચુકવણી ન કરવા સ્થિતીમાં ટેલિકોમ સાધન બનાવનાર કંપની એરિક્શને સુપ્રીમ કોર્ટમાં ત્રણ તિરસ્કાર અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપના બે ડિરેક્ટરોને ચાર સપ્તાહમાં એરિક્શનને ૪૫૩ કરોડ રૂપિયાની ચુકવણી કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે સાથે કહેવામાં આવ્યુ છે કે સમયમર્યાદાની અંદર પેમેન્ટ ન કરવાની સ્થિતીમાં ત્રણેયને ત્રણ ત્રણ મહિના માટે જેલમાં જવાની ફરજ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે ત્રણેયને આદેશની અવગણના કરવાનો હુકમ કર્યો છે. ત્રણેય પર એક એક કરોડ રૂપિયાનો દંડ પણ લાગુ કર્યો છે. જો એક મહિનાની અંદર રકમ જમા કરવામાં નહીં આવે તો તેમને જેલની સજા ભોગવવી પડશે.
ભારે ચર્ચા જગાવનાર મામલામાં જે બે ડિરેક્ટરોની સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીશ સેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરમેન છાયા વિરાનીનો સમાવેશ થાય છે. તે પહેલા અરજી પર સુનાવણી કરતી વેળા ચુકાદો અનામત રાખી લેવામાં આવ્યો હતો. ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. એરિક્શન ઇન્ડિયાએ આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સ ગ્રુપની પાસે રાફેલ વિમાનમાં રોકાણ માટે પૈસા છે તો ૫૫૦ કરોડ રૂપિયા કેમ ચુકવતા નથી.