નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની સામે રાજદ્ધારી દબાણ લાવી રહ્યુ છે ત્યારે હવે ઇઝરાયેલે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે ત્રાસવાદ સામે જંગમાં ભારતની સાથે છે. તે ભારતની તમામ સ્તર પર સહાયતા કરવા માટે ઉત્સુક છે. ઇઝરાયેલે કહ્યુ છે કે સહાયની કોઇ મર્યાદા પણ નથી. બનતી તમામ સહાયતા કરવામાં આવનાર છે. ઇઝરાયેલે સાફ શબ્દોમાં કહ્યુ છે કે ત્રાસવાદની સામે પોતાના બચાવનો ભારતને અધિકાર છે. સાથે સાથે તે કોઇ પણ પ્રકારી શરત વગર સહાયતા કરવા માટે સજ્જ છે.
ઇઝરાયેલની આ ખાતરી ભારત માટે ઉપયોગી છે. કારણ કે ત્રાસવાદનો ખાતમો કરવા માટે ઇઝરાયેલની પદ્ધિતીનો ઉપયોગ કરવાની દેશના લોકોમાં માંગ વધી રહી છે. ઇઝરાયેલના નવા નિમાયેલા રાજદુત રોન મલકાએ પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ કે ઇઝરાયેલ ત્રાસવાદથી પરેશાન ભારતની કોઇ પણ હદ સુધી મદદ કરવા માટે તૈયાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા ગુરૂવારા દિવસે પુલવામા ખાતે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલો જેશના ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ દેશમાં લોકોમાં પ્રચંડ માંગ છે કે ઇઝરાયેલની પદ્ધિતીનો ઉપયોગ કરીને ભારતીય સેના પાકિસ્તાની ત્રાસવાદીઓને બોધપાઠ ભણાવે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી સેના પોતાની નક્કર કાર્યવાહી માટે જાણીતી રહી છે. તે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી માટે લોકપ્રિય છે. મલકાએ કહ્યુ છે કે ભારતને પોતાની સુરક્ષા માટે જે જરૂરી છે તે તમામ પગલા લેવા જાઇએ. તે પોતાના નજીકના મિત્ર ભારત માટે તમામ સહાય કરવા તૈયાર છે. કારણ કે ત્રાસવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ચુકી છે. તેમણે કહ્યુ હતુ કે વિશ્વને જીવવા માટે સારી અને સુરક્ષિત જગ્યા બનાવવા માટે અમે આવુ કરી રહ્યા છીએ.