મોદીના હસ્તે ચોથી માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્‌ઘાટન થશે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, અમદાવાદની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચોથી માર્ચે કરશે. તેમજ દેશના ગૌરવ સમાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં સંપાદિત જમીન ખાતેદારોને સર્વ સંમતિથી ૬૨૦ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ભરૂચ અને વડોદરા જિલ્લામાં સંપાદિત જમીન અને ચૂકવવામાં આવતી કિંમતના સંદર્ભમાં નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારે પારદર્શી અને ખેડૂતલક્ષી નિર્ણયો લઇ ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની ચાર ગણી અને શહેરી વિસ્તારોમાં જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની બજાર કિંમતના બે ગણા કિંમત ચૂકવવામાં આવી રહી છે.

વિકસિત શહેરી વિસ્તારોમાં સંપાદિત જમીનના ખાતેદારોની રજૂઆતો ધ્યાને લઇ શહેરી ઓથોરીટીના કાયદામાં ફેરફાર કરી ચાર ગણી કિંમત ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી એ બુલેટ ટ્રેન માટે સંપાદિત જમીનના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, ૫૦૮ કિ.મી.ના આ પ્રોજેક્ટમાં ૩૪૯ કિ.મી. ગુજરાતમાંથી પસાર થાય છે. જેમાં ૩૨ તાલુકાની ૧૯૭ ગામોમાં જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જેમાં ૧૧૧૦ જેટલા ખેડૂતોએ સંમતિ આપી છે. નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ૩૧-૧૨-૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં ૯,૨૨,૧૪૫ ચો.મી. અને ભરૂચ જિલ્લામાં ૧૧,૩૩,૭૨૬ ચો.મી. જમીન સંપાદિત કરવામાં આવી છે.

Share This Article