નવી દિલ્હી : પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના પુલવામા ત્રાસવાદી હુમલામાં પુરવા માંગવાના મુદ્દા ઉપર પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે આજે જડબાતોડ જવાબ આપ્યો હતો. અમરિન્દરસિંહે ઇમરાનના નિવેદનના થોડાક સમય બાદ જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આતંકવાદી મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છુપાયેલો છે અને ઇમરાન તેને પકડી બતાવે તો જ વિશ્વાસ આવશે. અમરિન્દરે કહ્યું હતું કે, મુંબઈમાં ૨૬-૧૧ના ત્રાસવાદી હુમલા વેળા પણ તમામ પુરાવા આપવામાં આવ્યા હતા. અમરિન્દરસિંહ આજે આતંકવાદના મુદ્દા ઉપર સૌથી કડક જવાબ આપતા નજરે પડ્યા હતા. અમરિન્દરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જૈશના લીડર મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છુપાયેલો છે. તે બહાવલપુરમાં છે.
આઈએસઆઈની મદદથી હુમલાના કાવતરા ઘડી રહ્યો છે. તેને પકડીને ઇમરાન ખાન બતાવે તો જ દુનિયાના દેશો પાકિસ્તાન ઉપર વિશ્વાસ કરી શકશે. અમરિન્દરસિંહે ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે, જા ઇમરાન ખાન પકડી ન શકે તો અમને કહેવામાં આવે. અમે મસુદને પકડીને બતાવીશું. મુંબઇના હુમલા વેળા તમામ પુરાવા અપાયા હતા. મુંબઈના પુરાવા આપવામાં આવ્યા બાદ પણ કોઇ કાર્યવાહી થઇ નથી. પાકિસ્તાન જે બોલે છે તે કરીને બતાવે તેમ દુનિયા ઇચ્છે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે એક સંદેશ જારી કરીને પુલવામા ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો. બદલામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી બાજુ શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પણ ઇમરાનની ઝાટકણી કાઢી હતી. મહેબુબાએ કહ્યું હતું કે, પાકિસ્તાને પઠાણકોટ હુમલા વેળા ડોઝિયર આપવામાં આવ્યા હતા પરંતુ અપરાધીઓને દંડ કરવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
સાથે સાથે મહેબુબા મુફ્તીએ લખ્યું છે કે, ટાઈમ ટુ વોક દ ટોકની સ્થિતિ છે પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનને તક મળવાની જરૂર છે. કારણ કે તેઓએ હાલમાં જ હોદ્દો સંભાળ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વિશ્વાસ અપાવ્યો છે કે જો ભારત પુલવામા ત્રાસવાદી હુમલાના સંદર્ભમાં કોઇ પુરાવા આપે છે તો કાવતરાખોરોની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, દેશની સામે કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે તો જવાબ આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઇને દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે હવે આ નિવેદન ખુબ મહત્વપૂર્ણ બની ગયા છે.