મુંબઈ : પુલવામામાં ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહીના ભાગરૂપે એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે ભારતે પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ૨૦૦ ટકા સુધી કરી દેતા યોગ્ય જવાબ વેપારમાં કારોબાર ક્ષેત્રે પણ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. આયાત ડ્યુટી ૨૦૦ ટકા કરી દેવાનો મતલબ એ થયો કે પાકિસ્તાનમાંથી તમામ પ્રકારની ચીજવસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે કસ્ટમ ડ્યુટીમાં આ જંગી વધારો કરાયા બાદ પાકિસ્તાનની કમર તૂટી જશે.
પાકિસ્તાન પરથી ભારતમાં આવતી ચીજવસ્તુઓ જંગી કસ્ટમ ડ્યુટી હેઠળ પાકિસ્તાન આયાત કરી શકશે નહીં. અન્ય આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓની સરખામણીમાં પાકિસ્તાનની ચીજવસ્તુ તેને વધુ મોંઘી પડશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ખૂબ મુશ્કેલી નડી શકે છે. ઉપરાંત ભારતે કસ્ટમ ડ્યુટી ૨૦૦ ટકા કરવાના એક દિવસ પહેલા જ પાકિસ્તાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને પણ ખેંચી લીધો હતો.