પુલવામા હુમલાથી સાબિત થઇ ગયુ છે કે ત્રાસવાદીઓ ખુબ મોટા પાયે હજુ પણ સક્રિય છે. સાથે સાથે મોટા હુમલાને અંજામ આપી શકે છે. આવી સ્થિતીમાં જારી રક્તપાતને રોકવા માટે વધારે અસરકારક પગલાની જરૂર દેખાઇ રહી છે. સ્થાનિક કટ્ટરપંથી લોકોને સપાટી પર લાવવા માટેની જરૂર દેખાઇ રહી છે.એકબાજુ ત્રાસવાદી ઘટનાઓ રોકાઇ રહી નથી. સ્થાનિક ત્રાસવાદીઓ સેના અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને અવિરતપણે હુમલા કરી રહ્યા છે. બીજી બાજુ સરહદ પારથી ત્રાસવાદીઓની ઘુસણખોરી પણ જારી રહી છે. એટલામાં ઓછુ હોય તેમ સ્થાનિક કટ્ટરપંથી લોકો કાશ્મીરમાં જુદા જુદા પ્રશ્ને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ તમામ કારણોસર જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ગતિવિધી રોકાઇ રહી નથી. સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ અસરકારક રીતે જારી હોવા છતાં ત્રાસવાદી ગતિવિધી જારી રહી છે. પાકિસ્તાન તરફથી નાપાક હરકતો જારી રાખીને અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી ભારત સામે બેવડા મોરચે મોટા પડકારો ઉભા થઇ ગયા છે.
પાકિસ્તાનને ઇંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરનાર અને એક હદ સુધી જ તેને ચલાવી લેવામાં આવશે તેવી વાત કરનાર સરકાર હાલમાં ઉદાસીન વલણ અપનાવી રહી છે.પુલવામા હુમલો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકો નારાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આક્રમક વલણની અપેક્ષા દેશના લોકો રાખે છે. ભારત સરકારે હમેંશા પાકિસ્તાન પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યુ છે. હાલમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનની અપીલ બાદ આરએસપુરા સ્થિત વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ ઉપર ફ્લેગ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાની રેન્જરના અધિકારી સામેલ થયા હતા.
આ બેઠક દરમિયાન ભારતે યુદ્ધવિરામ ભંગ સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. હાલમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવા છતાં હુમલા જારી રહ્યા છે. જે મોટી બાબત છે. સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ રીતે જમ્મુ કાશ્મીરમાં એકબાજુ સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને અવિરત સ્થિતી ખરા કરવાના પ્રયાસ કર્યા છે. બીજી બાજુ ત્રાસવાદીઓ દ્વારા સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. રક્તપાતનો દોર જારી રહેતા સરકારને હવે વધુ ગંભીરતા સાથે નિર્ણાયક પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. હદ તો હવે થઇ રહી છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હવે પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને ત્રાસવાદીઓ ૪૦ જવાનોને મોતને ઘાટ ઉતારી ચુક્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી દેશના લોકોમાં વ્યાપક આક્રોશ છે. હવે સ્થિતીને સમજીને સરકાર પગલા લે તે જરૂર છે.
માત્ર નિવેદનબાજીથી કામ ચાલશે નહી. ભારત એક મજબુત અને વૈશ્વિક સત્તા બનવા તરફ છે તેની ખાતરી આપવા માટે ત્રાસવાદદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.
ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.