અમદાવાદ : સુરત જિલ્લાના માંગરોળના બણભા ડુંગર ખાતે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું તે પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પુલવામાના શહીદોના બલિદાન બાદ દેશભરમાં ઉઠેલા જનાક્રોશની તરફેણ કરતાં બહુ મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું કે, પુલવામામાં જે રીતે પાકિસ્તાને કાયરતાપૂર્ણ આંતકવાદી કાર્ય કર્યું છે, તેનાથી દેશભરમાં રોષ છે. તેથી, જરૂર હોય તો, લોકસભાની ચૂંટણી રોકી દો પરંતુ તે પહેલાં પાકિસ્તાનને ઠોકી દો.
વસાવાએ ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા પાકિસ્તાનમાં શોકસભા થાય તેવો વળતો જવાબ આપવાની વાત ગણપત વસાવાએ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ મંત્રી વસાવાના હુંકાર અને લાગણીને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. તો બીજીબાજુ, ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી પણ વસાવાની લાગણીને સમર્થન મળ્યું હતું. પ્રવાસન કેન્દ્રના ઉદ્ઘાનટ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ હુંકાર કરતાં જણાવ્યું હતું કે, ઉરી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ ફરી પાકિસ્તાનને કરેલા અમાનવીય કૃત્યનો બદલો મોદી સરકાર જરૂર લેશે. મોદી સરકારને સેના પર પુર્ણ ભરોસો છે એટલે તેમણે સેનાને છૂટ આપી છે.
યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ એવો બદલો લો કે પાકિસ્તાન સીધું થઈ જાય. વસાવાએ ત્યાં સુધી કહ્યું હતું કે, વીર શહીદોના બલિદાન માટે પાકિસ્તાન સામે બદલો લેવા માટે જરૂર હોય તો લોકસભાની ચૂંટણી બે મહિના રોકી દો, પરંતુ પહેલા પાકિસ્તાનને ઠોકી દો. વસાવાએ ભારત દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં પાકિસ્તાનમાં જારદાર શોકસભા યોજાય તે માટેની હિમાયત કરી હતી. વસાવાની લાગણીને લઇ ઉપસ્થિત જનમેદની પણ સમર્થનમાં નારા લગાવવા માંડી હતી અને તાળીઓના ગડગડાટથી તેમની લાગણીને વધાવી લીધી હતી.