ધુલે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના ધુલેમાં આયોજિત જનસભામાં પાકિસ્તાન ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણેકહ્યું હતું કે ભારતની નીતિ એવી રહી છે કે તે કોઈને છેડવામાં માનતો નથી પરંતુ જા તેની સાથે ચેડાં કરવામાં આવે તો તે કોઈને પણ છોડતો નથી. મોદીએ પોતાના સંબોધનમાં ચેતવણી આપતા કહ્યું હતું કે દરેક હુમલાખોરોને બોધપાઠ ભણાવવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે આજે તેઓ એવા સમયે તેમની વચ્ચે આવ્યા છે જ્યારે પુલવામામાં જવાનો ઉપર હુમલા બાદ દેશમાં આક્રોશ છે. એકબાજુ દેશમાં આક્રોશ છે. બીજી બાજુ આંખો ભીની છે. એક દેશના લોકોના માટે હાલનો સમય સાથે રહેવાનો છે. આ સંયમનો સમય છે. સંવેદનશીલતાનો સમય છે. શોકનો સમય છે પરંતુ તેઓ દરેક પરિવારને અને ભારતના લોકોને ખાતરી આપવા માંગે છે કે દરેક આંસુના જવાબ લેવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે ભારત નવી નીતિ અને નવી નીતિ સાથે સંબંધિત દેશ છે.
હવે દુનિયા પણ આનો અનુભવ કરશે. ભારત હવે આક્રમક મુદ્દા સાથે આગળ વધશે. સુરક્ષા જવાનો કોઈપણ બંદુક ચલાવનાર, બંદુક ઉપાડનાર, બોમ્બ ઝીંકનાર, બોમ્બ આપનારને ઉંઘવા દેશે નહીં. તેમને યોગ્ય રીતે બોધપાઠ ભણાવાશે. મોદીએ કહ્યું હતું કે અમારા જવાનોએ અદભૂત પરાક્રમનો પરિચય આપ્યો છે. નિસ્વાર્થભાવથી સેવા આપી છે. એકબાજુ દેશમાં નારાજગી છે. બીજી બાજુ આંખો ભીની છે. મહારાષ્ટ્રે પણ આ હુમલામાં પોતાના સપૂતોને ગુમાવ્યા છે. શુરવીર સપુતો અને તેમને જન્મ આપનાર દરેક માતાને તેઓ નમન કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુરૂવારના દિવસે પલવામામાં સીઆરપીએફના કાફલાની એક બસને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. હુમલાના જવાબદારી જમ્મુ-કાશ્મીરના સક્રિય જૈશે મોહંમદ સંગઠને સ્વીકારી લીધી છે. તેના લીડર મસુદ અઝહર હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો હોવાની બાબત સપાટી પર આવતી રહી છે. પાકિસ્તાનમાં મસુદ અઝહર ખુલ્લી રીતે ફરી રહ્યો છે. મસુદને ૨૪મી ડિસેમ્બર ૧૯૯૯ના દિવસે કંદહાર વિમાન અપહરણ કાંડ બાદ ભારતે મુક્ત કર્યો હતો. પુલવામા હુમલામાં આત્મઘાતી આતંકવાદી આદિલ અહેમદ દારનું નામ સપાટી પર આવ્યું હતું.
આ મામલાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. મોદીએ આજે પોતાના સંબોધનમાં પાકિસ્તાન ઉપર જારદાર પ્રહારો કર્યો હતા. મહારાષ્ટ્રના યવાતમલમાં અનેક વિકાસ કામોની આધારશિલા મુકવા માટે મોદી પહોંચ્યા હતા. જેમાં મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને દેશના લોકોને ખાતરી આપી હતી કે દરેક પગલાં સામે નક્કર રીતે કાર્યવાહી કરવામાં આવશે. પુલવામાના શહીદોના બલિદાનને વ્યર્થ જવા દેવામાં આવશે નહીં. ત્રાસવાદી સંગઠનો અને તેમના આકાઓ દ્વારા જે ગુના કરવામાં આવ્યા છે તેની સજા ચોક્કસપણે મળશે. કોઈપણ જગ્યાએ છુપાઈ જશે તો પણ તેમને શોધી કાઢવામાં આવશે. યાવતમલમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે અમે પોતાના સુરક્ષાબળો પર સંપૂર્ણપણે વિશ્વાસ અને ગર્વ કરીએ છીએ. સીઆરપીએફ જવાનોમાં જે જુસ્સો છે તે તેઓ સમજી શકે છે. જેથી સુરક્ષાબળોને ખુલ્લી છુટ આપી દેવાઈ છે. આતંકવાદીઓની હરકતને લઈને આજે દેશ આક્રોશમાં છે. જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે તેમની પીડાને તેઓ સારી રીતે સમજી શકે છે. ગુનેગારોને છોડવામાં આવશે નહીં તેવી વાત મોદીએ અહીં પણ કરી હતી.