અમદાવાદ : પુલવામામાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે હવે ગુજરાત સહિત દેશભરમાંથી આર્થિક સહાયનો અભૂતપૂર્વ ધોધ વહેવાની શરૂઆત થઇ છે. ખાસ કરીને અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી ટ્રસ્ટો અને વ્યકિતગત ધોરણે લોકોએ લાખો-કરોડો રૂપિયાના દાન-સહાય શહીદોના પરિવારજનો માટે આપવાની જાહેરાત કરી છે. સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુએ પણ આજે શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને પ્રત્યેક પરિવાર દીઠ એક-એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ જ પ્રકારે મોરબી સીરામીક એસોસીએશન તરફથી પણ શહીદોના પરિવાર જવાનોના પરિવારજનો માટે રૂ.એક કરોડથી વધુ રકમની બહુ મોટી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તો, અમદાવાદમાં એક નાનકડા ચા વાળાએ પોતાના સમગ્ર દિવસ દરમ્યાનની ચાની કમાણી શહીદોના પરિવારજનોને આપવાની વાત કરતાં સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું હતું.
પુલવામામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોની શહીદી બાદ ગુજરાત સહિત દેશભરમાં શ્રધ્ધાંજલિ, મૌન રેલી સહિતના શોકાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે બીજીબાજુ, એકસાથે આટલા બધા શહીદ થયેલા જવાનોના પરિવારજનોની સહાય અને આર્થિક મદદ માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો બહુ મોટી સંખ્યામાં આગળ આવ્યા છે, તેમાં સામાન્ય માણસથી લઇ બોલીવુડની હસ્તીઓ કે રાજકીય નેતાઓથી લઇ મોટા ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક જૂથો બધાનો સમાવેશ થાય છે. શહીદ જવાનોના પરિવારજનો માટે આર્થિક સહાય માટે મોરબી સીરામીક એસોસીએશન તરફથી ટહેલ નાંખતાં દાન-સહાયનો ધોધ વહ્યો હતો. મોરબી સીરામીક ઉદ્યોગના ઉદ્યોગપતિઓએ માત્ર ત્રણ જ કલાકમાં રૂ.૭૫ લાખથી વધુ રકમ દાનમાં આપી દીધા હતા તો, સવાર સુધીમાં તો, આ રકમ એક કરોડથી પણ વધુની એકત્ર થઇ હતી. મોરબી સીરામીક એસોસીએશન તરફથી આ એક કરોડથી પણ વધુની રકમ શહીદોના પરિવારજનોના ફંડમાં આપવાની જાહેરાત કરાઇ હતી.
આ જ પ્રકારે કન્સ્ટ્રકશન ગ્રુપ એવા જય સોમનાથ ગ્રુપ દ્વારા પણ હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારજનોને પ્રત્યેક પરિવાર દીઠ એક-એક લાખ મળી કુલ રૂ.૪૪ લાખ દાનમાં આપવાની જાહેરાત કરાઇ હતી. આ જ પ્રકારે સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુએ પણ શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો માટે ભારે સંવેદના વ્યકત કરી પ્રત્યેક પરિવારને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. એટલું જ નહી, અમદાવાદ શહેરના એક નાનકડા ચા વાળાએ પણ પોતાની ચાની કિટલી થકી સમગ્ર દરમ્યાન થયેલી આવક શહીદ પરિવારજનોને દાનમાં આપવાની પ્રેરણારૂપ જાહેરાત કરી હતી. આમ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી શહીદોના પરિજનો માટે દાન-ભંડોળની સરવાણીનો જાણે અભૂતપૂર્વ ધોધ વહી રહ્યો છે. અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશ આજે સીઆરપીએફના વીર શહીદ જવાનોના પરિવારજનોની પડખે ઉભો છે તે જ લાગણી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને વ્યકત કરે છે, જે પ્રત્યેક ભારતીય માટે બહુ મોટા ગૌરવની વાત છે.