નવી દિલ્હી : પુલવામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ શાંત થઇ રહ્યો નથી. આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં લોકો જાહેર માર્ગ પર ઉતરી ગયા છે. તેમન એક જ માંગ છે કે ત્રાસવાદીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે. ખુનનો બદલો ખુનથી લેવાની માંગ થઇ રહી છે. મોદી સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે.દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ સંગઠનના લોકો, રાજકીય પક્ષોના લોકો પણ જાડાયા છે. વીએચપી-બજરંગ દળ, કોંગ્રેસ, ઓબીસી,એસસી-એસટી લઘુમતી એકતા મંચ, એનએસયુઆઇ સહિતના સંગઠનોએ કુખ્યાત આંતકવાદી, પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સળગાવવાના કાર્યક્રમ યોજ્યા હતા. પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને જારદાર સૂત્રોચ્ચા કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ દરમ્યાન ઓબીસી,એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઇ ભરવાડે આંતકવાદીઓના કૃત્યને કાયરતાપૂર્ણ અને પાકિસ્તાનની માનસિક વિકૃતિ ગણાવી હતી.
ઓપરેશન ઓલઆઉટથી ડરેલા આંતકીવાદીઓએ આ કૃત્ય કર્યું છે, જેને વખોડવા કે દુઃખ વ્યકત કરવા શબ્દો પણ નથી. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જાઇએ એ હવે દેશના લોકોની લાગણી છે. પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે. બોલિવુડ અને જુદી જુદી રમતના લોકો પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આના માટે વિવિધ કાર્યક્રમ યોજી રહ્યા છે.