જમ્મુ : પુલવામામાં સુરક્ષા દળો ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની સેનાએ આજે પણ એલઓસીને અશાંત કરવાના નાપાક પ્રયાસ કર્યા હતા. પાકિસ્તાની સેના તરફથી જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અનેક વિસ્તારોમાં યુદ્ધવિરાનમો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. મોર્ટારનો મારો ચલાવ્યો હતો. નાગરિક વિસ્તારોમાં આ મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પૂંચના માલતી અને મેંધાર સેક્ટરોમાં ગોળીબાર કરાયો હતો. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગઇકાલે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપરસ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો.
આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી.