લોકસભા ચૂંટણી માટે હવે ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે દરેક પાર્ટી પોતાની ચાલ રમી રહી છે. પાર્ટીઓની તૈયારીની વાત કરવામાં આવે તો હાલમાં શિવ સેના અસમંજસના દોરમાંથી પસાર થઇ રહી છે. બાલ ઠાકરેના અવસાન બાદ ઉદ્ધવ ઠાકરે પાર્ટીનુ નેતૃત્વ કરી રહ્યા છે. જા કે તેમનુ કદ બાલ ઠાકરે જેટલુ ઉંચુ નથી. જેથી ભાજપની સાથે સીટોના મામલે હજુ સુધી તાલમેલ બેસાડી શક્યા નથી. ભાજપે તેમની આ કમજારીનો લાભ લઇ લીધો છે. ઉદ્ધવની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સંગઠનમાં મજબુતી લાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
બીજી બાજુ ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાતા રાજ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઇ કરિશ્મો કરી શક્યા નથી. શિવ સેનાથી અલગ થયા બાદ તેમની નિષ્ફળતા સતત સપાટી પર આવી છે. શિવ સેના સાથે છેડો ફાડી લીધા બાદ રાજે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાની રચના કરી હતી. જેથી તેમની સ્થિતી સતત નબળી પડી રહી છે. રાજની તરફેણમાં સ્થાનિક ચૂંટણીમાં પણ પરિણામ આવી રહ્યા નથી. ૨૦૦૯માં વિધાનસભા ચૂંટણીમાં ૧૩ સીટો જીતી જનાર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાની હાલત હવે ખરાબ છે. છેલ્લી ચૂંટણીમાં તેને એક સીટ મળી હતી. કોંગ્રેસ પાર્ટીની હાલત પણ કોઇ સારી દેખાતી નથી.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ જારી છે. દેવડાથી પહેલા સાંસદ રહેલા પ્રિયા દત્ત પણ ચૂંટણીને લઇને અનિચ્છા દર્શાવી છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની પાસે તમામને સાથે લઇને ચાલી શકે તેવા કોઇ દિગ્ગજ નેતા નથી. લોકસભા ચૂંટણીમાં એનસીપીની સાથે ગઠબંધન થશે કે કેમ તેને લઇને પણ હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કોંગ્રેસ પાર્ટીને તો રાજયમાં સ્થિતીને સુધારવા માટે હજુ ખુબ સમય લાગી શકે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ પાસે વધારે વિકલ્પ નથી. એનસીપીની હાલત પણ કેટલાક વિસ્તારોમાં પહેલા જેવી દેખાતી નથી. આવી સ્થિતીમાં શિવ સેના અને ભારતીય જનતા પાર્ટીને ગઠબંધન કરીને ચૂંટણી લડવાની સલાહ તમામ રાજકીય નિષ્ણાંતો આપે છે. આના કારણે તેમને મોટા ભાગની સીટ જીતવા માટેની તક મળી શકે છે.