શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આજે સાંજે કરવામાં આવેલા એક મોટા હુમલામાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો ઉપર કરવામાં આવેલા આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરાયો હતો. જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાશ્મીરમાં ૨૦૧૬ બાદથી કરાયેલા મોટા હુમલા નીચે મુજબ છે.
પઠાણકોટ હુમલો
જાન્યુઆરીમાં જૈશના છ ત્રાસવાદીઓએ પઠાણકોટ એરબેઝ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન છ જવાન સહિત થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે સપાટી ઉપર આવી હતી. આ હુમલાના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો અને પાકિસ્તાન સાથેના સંબંધો તીવ્ર બન્યા હતા.
પંપોરે હુમલો
જૂનના મહિનામાં પંપોર નજીક શ્રીનગર-જમ્મુ હાઈવેમાં સીઆરપીએફ કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં આઠ જવાન શહીદ થયા હતા અને નવ જવાન ઘાયલ થયા હતા. લશ્કરે તોઇબાએ હુમલાની જવાબદારી લીધી હતી. બે આત્મઘાતી હુમલાખોરો દ્વારા આ હુમલો કરાયો હતો. પંપોરેમાં ત્રીજી જૂનના દિવસે બીએસએફના કાફલા ઉપર હુમલો કારયો હતો જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં પંપોરેમાં જ નેશનલ હાઈવે ઉપર સીઆરપીએફ કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા. જૂનમાં પણ પંપોરેમાં હુમલો કરાયો હતો જેમાં મોટી ખુવારી થઇ હતી
કુંપવારા હુમલો
જુલાઈ મહિનામાં ભારતીય સેનાએ એલઓસી નજીક ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. આખરે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારાયા હતા
પૂંચ ત્રાસવાદી હુમલો
સપ્ટેમ્બરમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ, સેનાના બે જવાન અને એક નાગરિક, બે પોલીસ કર્મીના મોત થયા હતા. જવાબી કાર્યવાહીમાં તમામ ચાર ત્રાસવાદી માર્યા ગયા હતા. આ અથડામણ ત્રણ દિવસ સુધી ચાલી હતી. પઠાણકોટ એરબેઝની જેમ જ અથડામણ લાંબી ચાલી હતી. તોઇબાના આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલો કર્યો હતો
પુલવામામાં હુમલો
૯મી સપ્ટેમ્બરના દિવસે ત્રાસવાદીઓએ પુલવામામાં સીઆરપીએફ કેમ્પને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઇનું મોત થયું ન હતું પરંતુ ટૂંકા ગાળામાં જ ત્રાસવાદીઓનો આ ચોથો હુમલો હતો. આગસ્ટ મહિનામાં એક પોલીસ જવાનને તેમના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. આ અગાઉ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાન ઉપર હુમલો કરાયો હતો.
ખ્વાજાબાગ હુમલો
સ્વતંત્રતા દિવસના બે દિવસ બાદ હિઝબુલ મુઝાહીદ્દીનના ત્રાસવાદીઓએ શ્રીનગર-બારામુલ્લા હાઈવે પાસે સેનાના કાફલા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં આઠના મોત થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા. ૧૫મી ઓગસ્ટ બાદ ખ્વાજાબાદનો હુમલો ત્રીજા હુમલો રહ્યો હતો. સ્વતંત્રતા દિવસે પણ શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં સીઆરપીએફના કમાન્ડેન્ટ શહીદ થયા હતા. ત્રાસવાદીઓએ ૧૯મી ઓગસ્ટના દિવસે કુંપવારા જિલ્લામાં બીએસએફ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો જેમાં ત્રણ ઘાયલ થયા હતા.
ઉરી સેક્ટર હુમલો
જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં આજે સવારે સેનાના ઇન્ફેન્ટ્રી બટાલિયન કેમ્પ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કરીને દેશભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. આ હુમલામાં ૧૭ જવાનો શહીદ થયા છે. અનેક જવાનો ઘાયલ થયા છે.સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ અથડામણમાં તમામ ચારેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
નાગરોટા હુમલો
જમ્મુ કાશ્મીરના નાગરોટામાં કરાયેલા ત્રાસવાદી હુમલામાં ૧૦ના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ૨૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે એટલે કે ઉરી હુમલા બાદ વધુ એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મોટી ખુવારી થઇ હતી.
અમરનાથ યાત્રા હુમલો
૧૧મી જુલાઈ ૨૦૧૭ના દિવસે અમરનાથ યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મોટાભાગના ગુજરાતના શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાતના મોત થયા હતા ઉપરાંત અન્ય છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને કરાયેલા આ હુમલા બાદ દેશભરમાં લોકોમાં નારાજગી જાવા મળી હતી.
પુલાવામા હુમલો
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સાંજે આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થયા હતા અને અન્ય મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. આ આતંકવાદી હુમલો આદિલ અહેમદ દાર દ્વારા અંજામ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. દેશભરમાં આ હુમલાથી ખળભળાટ મચી ગયો છે.