શ્રીનગર-નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ ઉઠી રહી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલો થયા બાદ ટવિટ મારફતે પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી. મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની તેઓ કઠોર શબ્દોમાં નિંદા કરે છે. સીઆરપીએફના જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સમગ્ર દેશના લોકો ઉભા છે. મોદીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વાતચીત થઇ છે.
અન્ય સંબંધિતો સાથે પણ વાતચીત કરવામાં આવી છે. એકબાજુ રાજનાથસિંહ આવતીકાલે જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. બીજી બાજુ સુરક્ષા રણનીતિ ઉપર પણ ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે. આવતીકાલે પણ વાતચીતનો સિલસિલો યથાવતરીતે જારી રહી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને આતંકવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે તેવી વાત કરી છે. કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવશે. શહીદોના બલિદાનનો બદલો લેવાની પણ જેટલીએ વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, વિતેલા વર્ષોમાં જ્યારે ઉરીમાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે દિવસોના ગાળા બાદ જ પાકિસ્તાનમાં ઘુસી જઇને ભારતીય સેનાએ સર્જિકલ હુમલા કર્યા હતા અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આજે કરાયેલા હુમલા બાદ મોદીએ કહ્યું હતું કે, જવાનો પર થયેલો હુમલો ઘૃણાસ્પદ છે. આ કાયરતાપૂર્વકના હુમલાની નિંદા કરે છે. સુરક્ષા સંસ્થાઓના ટોપના અધિકારીઓ અને રાજનાથસિંહ પાસેથી માહિતી મેળવી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર સાથે વાત કરી છે. રાજનાથસિંહે તેમની શુક્રવારની પટણા રેલીને રદ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો યોજી છે. દોભાલ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. જેટલએ કહ્યું છે કે, હુમલાનો બદલો લેવામાં આવશે. સીઆરપીએફના કાફલા ઉપર આજના હુમલાથી દેશમાં આક્રોશ પણ છે. આક્રોશના દબાણ વચ્ચે કેન્દ્ર સરકારને ઝડપી પગલા લેવા પડશે.