અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર આજે પણ યથાવત રહ્યો હતો. સ્વાઇન ફ્લુના કારણે મોતનો આંકડો આજે વધીને ૫૭ ઉપર પહોંચી ગયો હતો. આજે વડોદરામાં એકનું મોત થયું હતું. મોતનો આંકડો બિનસત્તાવારરીતે ૭૮ ઉપર પહોંચી ગયો છે. મોતના આંકડાને લઇને ખુબ જ વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ પાકા આંકડા આપવામાં આવી રહ્યા નથી. અગાઉના સતત અહેવાલ પર નજર કરવામાં આવે તો ૧૧મી ફેબ્રુઆરીના દિવસે મોતનો આંકડો ૬૧ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ ૧૨મી ફેબ્રુઆરીએ ફરી એકવાર મોતનો આંકડો ૫૫ દર્શાવવામાં આવતા તંત્રની આંકડાઓને લઇને ઉદાસીનતા ખુલ્લી પડી ગઈ હતી. બીજી બાજુ છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી બેના મોત થઇ ચુક્યા છે અને છેલ્લા ૧૨ દિવસના ગાળામાં જ અમદાવાદમાં ૨૩૯ કેસ સપાટી ઉપર આવ્યા છે.
આજે નવા કેસ સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૧૪૮૦થી ઉપર પહોંચી ગઈ છે. ૫૮૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે સારવાર બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૮૪૯ થઇ ગઇ છે. સ્વાઇન ફ્લુએ રાજ્યમાં જારદાર આતંક મચાવ્યો છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. ૫૫૯ લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજા માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જાવા મળ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૬થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લુના રોગના આતંક વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન ફ્લુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરુપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ હાલમાં મોકલવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં ૧૧મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફ્લુથી સત્તાવારરીતે ૬૩ના મોત થયા હતા અને ૧૪૮૦ કેસ નોંધાયા હતા.સ્વાઈન ફ્લૂથ મોતનો આંકડો હજુ સ્પષ્ટ રીતે મળી રહ્યો નથી પરંતુ સત્તાવાર રીતે જાઈએ તો પણ નવા વર્ષમાં હજુ સુધી ૬૩ના મોત થઈ ચુક્યા છે. જ્યારે બિનસત્તાવારરીતે ૮૪ થયો છે.