નવી દિલ્હી : રાફેલ ડીલ પર જારી રાજકીય ઘણસાણ વચ્ચે આજે કેગનો રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપીએની સરખામણીમાં એનડીએના શાસનકાળામાં થયેલી ડીલ ૨.૮૬ ટકા સસ્તી છે. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૧૨૬ વિમાનોની તુલનામાં ભારતે ૩૬ રાફેલ કરારમાં ૧૭.૦૮ ટકાની રકમ બચાવી લીધી છે. અત્રે નોંધનીય છે કે આ ધડાકાની સાથે જ મોદી સરકારને મોટી રાહત મળી ગઇ છે. મોદી સરકારના ગાળામાં ૨૦૧૬માં ૩૬ વિમાનો ખરીદવા માટેનો સોદો થયો હતો.
આ પહેલા યુપીએના સમયમાં ૧૨૬ રાફેલ વિમાનોનો સોદો થયો હતો. જોકે કેટલાક કારણોસર સહમતિ થઇ શકી ન હતી. રિપોર્ટમાં વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૫ ની કિંમતને લઇને બોલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે મુલ્યોની ગણતરી તમામ બાબતોના આધાર પર કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે કેગના હેવાલમાં કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર સવાલ કર્યા છે. ૧૪૧ પાનાનો હેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં ફરી ધાંધલ ધમાલ શરૂ થઇ હતી. જેના કારણે કાર્યવાહીને ફરી એકવાર બપોર સુધી મોકુફ કરવાની ફરજ પડી હતી. રાફેલ ડીલને લઇને કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ સંકુલમાં દેખાવો કર્યા હતા.
આ ગાળા દરમિયાન ચોકીદાર ચોર હેના નારા લગાવવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા બાદ કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે સત્યની હમેંશા જીત થાય છે. રાફેલને લઇને કેગના હેવાલથી આ બાબત ફરી સાબિત થઇ ગઇ છે. રાહુલના ઝુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હોવાનો દાવો જેટલીએ કર્યો હતો..