અમદાવાદ : ગોધરામાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકોનું શÂક્ત કેન્દ્ર સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ પ્રમુખ અમિત શાહે ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ એક પરિવાર કે જાતિવાદ માટે નહીં પરંતુ દેશની જનતાના વિકાસ માટે કામ કરે છે. અમિત શાહે કહ્યું હતું કે, મોદી આજે દેશના વડાપ્રધાન છે ત્યારે ગુજરાતના લોકો માટે મોસાળે જમણવાર અને મા પિરસનાર જેવી આદર્શ સ્થિતિ છે. રાહુલ ગાંધીને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય તે અંગે પણ જાણકારી નથી. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકોનું શક્તિકેન્દ્ર સંમેલન યોજાયુ હતુ.
ગોધરા ખાતે યોજાયેલા શક્તિકેન્દ્ર સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ભાજપા એ બીજી બધી રાજકિય પાર્ટીઓ કરતા અલગ પ્રકારની રાજકિય પાર્ટી છે. ભાજપા સિવાયની તમામ રાજકિય પાર્ટીઓ કોઇ એક નેતા, પરિવાર, જાતિવાદ કે પ્રદેશવાદના આધારે કામ કરતી હોય છે. જ્યારે ભાજપા કોઇએક પરિવાર કે જ્ઞાતિજાતિ માટે નહી પરંતુ સમગ્ર દેશની જનતાના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે. ભાજપા તેના લાખો-કરોડો કાર્યકર્તાઓના પરિશ્રમને આધારે વિજયી બને છે. ભાજપા એ સાચા અર્થમાં લોકતાંત્રિક પાર્ટી છે. મારા જેવો બૂથ પર કાર્ય કરતો એક નાનો કાર્યકર્તા દુનિયાની સૌથી મોટી રાજકિય પાર્ટીનો અધ્યક્ષ બને તે ભાજપામાં જ શક્ય છે. કોઇ જ્ઞાતિજાતિ કે પરિવારના બેકગ્રાઉન્ડ વગર એક ગરીબ ચા વેચવાવાળાનો દિકરો પોતાની ક્ષમતા અને શુધ્ધ નિષ્ઠાના આધારે દેશનો વડાપ્રધાન બને. તે પણ ભાજપામાં જ શક્ય છે. ભાજપાનો નાનામાં નાનો કાર્યકર પોતાની ક્ષમતાના આધારે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ કે વડાપ્રધાન પણ બની શકે છે. તેથી હું કહું છુ કે, ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકતાંત્રિક પાર્ટી છે.
જ્યારે મમતા-માયાવતી-રાહુલ-સોનિયા-પ્રિયંકા-મુલાયમ-અખિલેશ તથા સ્ટાલીન વગેરેની પાર્ટી માત્ર પરિવારવાદ-જ્ઞાતિવાદ કે પ્રદેશવાદના આધારે ચાલતી પાર્ટી છે. અમિત શાહે જણાવ્યુ હતુ કે, આઝાદી પછી કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે. કોંગ્રેસ કમિટિના એક-બે સભ્યોને છોડી તમામ સભ્યોએ સરદાર વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક હતા તેમ છતાં જવાહરલાલ નેહરૂને વડાપ્રધાન બનાવ્યા હતા. હું આજે ખાત્રીપૂર્વક કહું છું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જો સરદાર પટેલને બનાવ્યા હોત તો કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધીનું ભારત આજે છે તેના કરતા કઇક જુદુ જ અને સમસ્યામુક્ત હોત. જવાહરલાલ નેહરૂની બીજી પેઢી ઇન્દિરાજીએ પણ ગુજરાત પ્રત્યે કિન્નાખોરી રાખી મોરારજીભાઇ દેસાઇને વડાપ્રધાન બનવા ન દીધા તેમજ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું કામ પણ આટલા વર્ષો સુધી પુરુ થવા ન દઇ ગુજરાત તથા ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય કર્યો. અમિત શાહે જણાવ્યુ હતુ કે, ૨૦૦૪માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે આદિવાસીઓની વસ્તીની ટકાવારી કરતા વધારે રકમની જોગવાઇ બજેટમાં આપવાનું ચાલુ કર્યુ.
વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસીઓના ઘર-ઘર સુધી વિકાસના ફળ પહોચાડ્યા. સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વિજળી, ખેડૂતોને સિંચાઇનું પુરતું પાણી, ગરીબોને આવાસ, પીવાનું શુધ્ધ પાણી, આરોગ્ય સારવાર માટેની સુવિધા જેવા અનેક પ્રજાકલ્યાણકારી કાર્યોના પાયા ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ નાખ્યા હતા ત્યારબાદ ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જોડી આજને ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ આપવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહે જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર આજે દેશના વડાપ્રધાન છે ત્યારે ગુજરાતના લોકો માટે તો મોસાળે જમણવાર અને મા પીરસનાર જેવી આદર્શ સ્થિતિ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત માટેની કોઇ યોજના લઇને જાય અને નરેન્દ્ર મોદી તાત્કાલિક તે યોજના મંજુર કરે છે. ગુજરાતમાં વિજયભાઇ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી એ રીતે ગુજરાતનો આ ડબલ એન્જીન ગ્રોથ થઇ રહ્યો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને ૬૩,૩૪૩ કરોડની ફાળવણી કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને ૧,૫૮,૩૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે તે ઉપરાંત મુદ્રા લોનમાં ૩૨,૦૦૦ કરોડ, મેટ્રો ટ્રેન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી અનેક યોજનાઓ દ્વારા કુલ ૩,૧૦,૯૮૫ કરોડ થી વધુના લાભો ગુજરાતને મળ્યા છે. અમિત શાહે જણાવ્યુ હતુ કે, હું રાહુલબાબાને પુછવા માંગુ છુ કે, ૫૫ વર્ષ સુધી આ દેશમાં તમે રાજ કર્યુ.
આ ૫૫ વર્ષમાં તમે શું કર્યુ ? તેનો હિસાબ જનતાને આપો. ગરીબના ઘરમાં તમે ગેસ ન પહોચાડી શક્યા, વીજળી ન પહોચાડી શક્યા અને શૌચાલય પણ ન પહોચાડી શક્યા. સોનીયા અને મનમોહનની સરકાર વખતે પાકિસ્તાનથી આલીયા-માલીયા-જમાલીયા કોઇ પણ દેશમાં ઘુસી જતા, કોઇ પુછવાવાળુ નહોતું જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેનાના વીર જવાનો સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસી ઇંટના જવાબ પથ્થરથી આપી રહ્યા છે. અમિત શાહે જણાવ્યુ હતુ કે, દેશના કરોડો લોકો ઇચ્છે છે કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ. ભાજપાની નીતિ સ્પષ્ટ છે કે તેજ જગ્યાએ જલદી થી જલદી ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જોઇએ. પરંતુ વર્ષોથી કોંગ્રેસ આ કેસ જલદીથી પુરો ન થાય તે માટે રોડા નાંખવાનું કામ કરે છે. કોંગ્રેસના વકિલો અદાલતમાં જઇ અને આ કેસની સુનવણી ૨૦૧૯ પછી કરવા માટે અરજીઓ કરે છે. હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે, તમારી નીતિ સ્પષ્ટ કરો અને જનતાને જવાબ આપો કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ કે નહીં.