મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૬૩૮૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૮૯૦ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ઉદાસીન કારોબાર રહે તેવી શક્યતા છે. ઉદાસીન કારોબાર રહેતા કારોબારીઓ દિશાહીન રહ્યા હતા.ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ ઘટીને ૩૬૩૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૮૮૯ની સપાટીએ રહ્યો હતો.
નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૧૯ ટકાનો ઘટાડો રહ્યો હતો.વર્તમાન એનડીએ સરકારનું અંતિમ સંસદ સત્ર બુધવારના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. ખેડુતો માટે અને મધ્યમ વર્ગ માટે કેટલીક જાહેરાતો થઈ ચુકી છે. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. રિટેલ ફુગાવા અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બજારની દિશા નક્કી કરશે. આની જાહેરાત પણ હવે થનાર છે. માસિક ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૬૪ ટકા હતો. ફુગાવાના આંકડા હવે જારી થનાર છે. જાન્યુઆરી મહિના માટેના આંકડા પણ આવા જ આશાસ્પદ રહી શકે છે. આરબીઆઈએ હાલમાં જ રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે.