અમદાવાદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ ત્રણ અબજ ભોજન સેવાની સિમાચિહ્નરૂપ સિધ્ધિની યાદગીરીરૂપે વૃંદાવન, મથુરામાં આવેલ અક્ષયપાત્રના પ્રાંગણમાં તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ સવારે ૧૧.૩૦ વાગે યોજાયેલી અનોખી ઉજવણીમાં ભાગ લીધો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ અક્ષયપાત્રનું ૩૦૦ કરોડમુ ભોજન પીરસ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને માનવ સંશાધન વિકાસના મંત્રી પ્રકાશ જાવેડકર પણ પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. વર્ષ ૨૦૦૦માં શાળાઓમાં ભોજન ઉપલ્બધ કરાવવાના પ્રોગામની શરૂઆત થઈ હતી.
વર્ષ ૨૦૧૨ સુધીમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્રારા કુલ ૧ અબજ ભોજન ઉપલબ્ધ કરાવવાની ભવ્ય સિધ્ધિ હાંસલ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ સુધીમાં ફાઉન્ડેશન દ્રારા કુલ ૨ અબજ ભોજન ઉપલબ્ધ કરાવવાની સિધ્ધિ પ્રાપ્ત કરાઇ હતી. જેની યાદગીરીના ભાગરૂપે તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ભારતના રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીની હાજરીમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અક્ષયપાત્રએ તેના બધા લાભાર્થીઓને પોષક અને આરોગ્યની સ્થિતિ સુધારવા અને સુનિશ્ચિત કરવા માટે સંતુલિત, પોષક અને સ્વાદિષ્ટ ભોજન આપવા સતત પ્રયત્નો કર્યા છે. આ કાર્યો પ્રાદેશિક સ્વીકાર્યતા અને યોગ્ય પાલન સાથે કરવામાં આવે છે,
આથી ઉત્તર ભારતમાં મેનુ વાનગીઓ મુખ્યત્વે ઘઉં આધારિત છે અને દક્ષિણ ભારત તેમજ ઓડિશા અને આસામ જેવા રાજ્યો ચોખા આધારિત છે. ગુજરાતમાં સંસ્થા હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, કલોલ અને ભુજ ખાતે કેન્દ્રીયકૃત રસોઈ ઘર ચલાવી રહી છે. જેના થકી ગુજરાતભરના ૪.૨ લાખથી પણ વધુ બાળકોને ભોજન ઉપલબ્ધ કરાવે છે. અક્ષયપાત્ર દ્રારા બાળકોને ભોજનમાં વધુમાં વધુ વિવિધતા અને સ્વાદ બદલાવ મળી રહે તે માટેના સુવ્યવસ્થિત અને નિયત સમયાંતરે સભાન પ્રયાસો થકી ખાતરી કરવામાં આવે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના શાળા ભોજન કાર્યક્રમમાં ખાદ્ય સલામતી, ગુણવત્તા અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. કાચા માલથી લઈ રાંધેલા ભોજન સુધીના ઉત્પાદનોના મૂલ્યાંકન કરવા માટે ફૂડ સેફટી એન્ડ ક્વોલિટી કંટ્રોલ લેબ્સ (એફએસક્યુસીસી લેબ)ની પણ સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનના આજના ઉપરોકત વિશેષ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.