અમદાવાદ : શહેરની પ્રતિષ્ઠીત એચ.કે.આટ્ર્સ કોલેજના વાર્ષિકોત્સવમાં જિજ્ઞેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાતાં વકરેલા વિવાદમાં આખરે કોલેજના આચાર્ય પ્રો.હેમંતકુમાર શાહ અને ઉપાચાર્ય મોહનભાઇ પરમારે રાજીનામું આપી દેતાં શિક્ષણજગતમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. એચ.કે.આર્ટસ કોલેજના આચાર્ય પ્રો.હેમંતકુમાર શાહ અને ઉપાચાર્ય મોહનભાઇ પરમારના રાજીનામાના ઘેરા પ્રત્યાઘાત પણ સામે આવ્યા હતા. રાજીનામુ આપનાર કોલેજના આચાર્ય પ્રો.હેમંતકુમાર શાહે જિજ્ઞેશ મેવાણીને લઇ કાર્યક્રમ યોજવા માટે હોલની મંજૂરી નહી આપવાના કૃત્યને બંધારણના અધિકાર, વાણી અને અભિવ્યકિતની સ્વતંત્રતાના ભંગ સમાન ગણાવ્યું હતું. વાર્ષિકોત્સવમાં જિજ્ઞેશ મેવાણીને બોલાવાયો હોવાથી ભાજપના ઇશારે ટ્રસ્ટીઓ તરફથી કોલેજનો હોલ કાર્યક્રમ માટે નહી ફાળવાતાં સમગ્ર મામલે રાજકીયરૂપ ધારણ કર્યું છે.
કોલેજના વાર્ષિકોત્સવના કાર્યક્રમ માટે સંસ્થાનો જ હોલ નહી મળતાં એચ.કે.આર્ટસ કોલેજના આચાર્ય પ્રો.હેમંતકુમાર શાહે નૈતિકતાના ધોરણે રાજીનામું પત્ર લખી ટ્રસ્ટના મંત્રીને મોકલી આપ્યું હતું. સમગ્ર વિવાદને લઇ આખરે કોલેજનો વાર્ષિકોત્સવ પણ રદ કરી દેવામાં આવ્યો હતો. પ્રો.હેમંતકુમાર શાહે પત્રમાં લખ્યું છે કે, હું સંસ્થાના પૂર્વ વિદ્યાથી અને પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રઘુવર ચૌધરીના આગ્રહથી આચાર્ય બન્યો હતો. પરંતુ હાલમાં તો તમામ સ્વત્રંતાઓ હણાઈ ગઈ તેવું જણાય છે. જિજ્ઞેશના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય બંધારણનું ગળું દબાવવા જેટલું ક્રુર છે. હું દ્રઢ પણે માનું છું કે વિદ્યાર્થી નેતાઓની ધમકીથી જ આપે હોલમાં કાર્યક્રમ ન કરવા માટે કહ્યું છે. પ્રો.હેમંતકુમાર શાહે રાજીનામું આપતાં આ ઘટનાને વાણીસ્વાતંત્રયના અધિકારનું હનન તરીકે દર્શાવી હતી. તેમણે આ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
તેમણે કહ્યું કે, હાલનો રાજકીય માહોલ ભારતના બંધારણમાં વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારો સ્વીકારવામાં આવ્યા છે, તેનું ગળું દબાવી દેવાના જેવો છે. જીગ્નેશ મેવાણી આ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે. તેમને બોલાવી મેં કોઈ ભૂલ કરી હોય તેવું હું નથી માનતો. ભૂતકાળમાં કોલેજમાં અનેક રાજકીય આગેવાનોને બોલાવવામાં આવ્યા છે. ટ્રસ્ટીઓના આ નિર્ણયથી કોલેજના માન સન્માન તો નથી જ જળવાતા અને તળીયે બેસી જાય છે. ઉપરાંત સમાજમાં સંસ્થાના ગૌરવને તથા ટ્રસ્ટીઓની પ્રતિષ્ઠાને પણ બહુ મોટો બટ્ટો લાગ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કોલેજનું આચાર્યપદ મેં ટ્રસ્ટીઓના આગ્રહથી સ્વીકાર્યું ત્યારે મારી એવી ધારણા હતી કે સમાજમાં આટલા પ્રતિષ્ઠીત એવા ટ્રસ્ટીઓ મને ભય વિના કામ કરવામાં જરૂર મદદ કરશે પણ આ મારા આશા ઠગારી નીવડી છે. નોબેલ ઈનામ વિજેતા ફ્રેન્ચ સાહિત્ય કાર પૌલ સાત્રનું માનવું છે કે, માનવી સંસ્થાનો ગુલામ બન્યો છે. હું કોઈ વ્યક્તિ કે સંસ્થાનો ગુલામ બની શકું નહીં. આમ, પ્રો.હેમંતકુમાર શાહે આજની સીસ્ટમ પર બહુ વાસ્તવિક અને આકરા ચાબખા મારી પત્રમાં બહુ માર્મિક વાત કરી દીધી હતી.