નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૧૦૦ ટકા ઘર સુધી વીજળી પહોંચાડી દેવાની તેની મહત્વકાંક્ષી યોજનાને પૂર્ણ કરી દેવાની નજીક પહોંચી ગઇ છે. મહત્વકાંક્ષી યોજના હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે.દરેક ઘર સુધી વિજળી પહોંચાડી દેવાની યોજનામાં માત્ર ૨૮૫૦૦ એવા મકાનો છે જેમા હજુ સધી વીજળી પહોંચી નથી. અથવા તો ૦.૧ ટકા ઘર એવા છે જે ઘરમાં વીજળી હજુ સુધી પહોંચી નથી. રાજસ્થાન અને છત્તિસગઢના પાંચ જિલ્લા જ એવા રહ્યા છે જે જિલ્લામાં રહેતા લોકો સુધી હજુ વીજળી પહોંચી નથી. કેન્દ્ર સરકારના ૨.૫ કરોડ ઘર સુધી વીજળી પહોંચાડી દેવા માટે સરકારના લક્ષ્યને હવે આ મહિનાના અંત સુધી પૂર્ણ કરી દેવામાં આવનાર છે.
સરકારી વેબસાઇટ પર જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે ૮૫૦૦ ઘર રાજસ્થાનના ઉદયપુરમાં છે. જ્યાં વીજળી પહોંચી નથી. છત્તિસગઢમાં ૨૦૦૦૦ ઘરમાં વીજળી પહોંચી નથી. છત્તિસગઢના નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પહોંચાડવાનુ કામ હજુ બાકી રહ્યુ છે. જેમાં ૨૦ હજાર ઘર એવા છે જ્યાં હજુ સુધી વિજળી પહોંચી નથી. આ કામ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં પ્રગતિ થઇ રહી છે. હાલમાં ૫૫૩ ગામમાં રહેતા ૨૦ હજાર લોકોના ઘરમાં વીજળી પહોંચી નથી. આ તમામ કામને આ મહિનામાં જ પૂર્ણ કરવામાં આવનાર છે. હાલની સ્થિતીમાં માનવામાં આવે છે કે આ કામને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ૨.૫ કરોડ બાકી ઘર સુધી વીજળી પહોંચાડી દેવાની યોજનાને પૂર્ણ કરવા માટેની મહેતલ માર્ચ ૨૦૧૯ રાખવામાં આવી છે. માનવામાં આવે છે કે સમયમર્યાદા પહેલા જ કામને પૂર્ણ કરી લેવામાં આવનાર છે. આને સરકારની મોટી સિદ્ધી તરીકે ગણી શકાય છે. ૧૯૬૧૪ ગામો સુધી વીજળી પહોંચાડી દેવાની યોજનાને પૂર્ણ કરવાની બાબત સારી સિદ્ધી તરીકે છે.
આ કામ સમયસર પૂર્ણ થઇ રહ્યુ છે. સુત્રોએ કહ્યુ હતુ કે તમામ ઘરમાં વીજળી પહોંચાડી દેવાનુ લક્ષ્ય ખુબ વિચારીને નક્કી કરવામાં આવ્યુ હતુ. પહેલા દરેક મોહમલ્લા અથવા તો જાહેર નાના વિસ્તારોમાં વીજળી પહોંચાડી દેવાનુ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ હતુ. જા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેટલાક રાઉન્ડની બેઠક બાદ વીજળી મંત્રાલયને વધારે મોટી અને મુશ્કેલ જવાબદારી સોંપવામાં આવી હતી. એવુ નક્કી કરવામાં આવ્યુ હતુ કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડી દેવાની જરૂર છે. આ મિશન સાથે જાડાયેલા એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી દરેક ઘર સુધી વીજળી પહોંચી જશે. અમારી પાસે ૨.૪૦ કરોડ ઘર સુધી વીજળી પહોંચાડી દેવાનુ લક્ષ્ય હતુ. આગામી ૧૦-૧૨ દિવસમાં આ લક્ષ્યાંકને ૧૦૦ ટકા હાંસલ કરી લેવામાં આવશે. વીજળી પ્રધાન આરકે સિંહ પોતે રાજ્ય સરકારોની સાથે સંપર્કમાં છે. મિશન પર તમામ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. છત્તિસગઢ અને રાજસ્થાનના મુખ્યપ્રધાનોને અંગત રીતે મદદ અને સહકાર કરવા માટે અપીલ કરવામાં આવી છે.