કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં હાલના સમયમાં અવિરત વધારો થઇ રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ધીમી ગતિથી ઘટાડો થઇ રહ્યો છે. આના માટે કેટલાક કારણો રહેલા છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધવા માટેના કારણોમાં મુખ્ય કારણ એછે કે રાહુલ એકબાજુ બેરોજગારી, રાફેલ, નોટબંધી અને જીએસટીને લઇને લોકોને થયેલી તકલીફોના મુદ્દા સતત ઉઠાવીને સીધી રીતે મોદી પર પ્રહારો કરી રહ્યા છે. દિન પ્રતિદિન તમામ મંચ પર વધુ આક્રમક નિવેદન કરીને મોદી પર પ્રહારો કરવાના કારણે તેમની લોકપ્રિયતા વધી છે. લોકોનુ ધ્યાન તેમના મુદ્દા પર ખેંચાયુ છે. બીજી બાજુ રાહુલ હવે હિન્દુ હિતલક્ષી તેમની પાર્ટી હોવાની બાબત સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. મોંઘવારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. મોદીની લોકપ્રિયતા ઘટવા માટેના કારણ એ છે કે એક બાજુ પેટ્રોલ ડીઝલની કિંમતમાં અવિરત વધારો થઇ રહ્યો હોવા છતાં સરકાર મોટા ભાગે ઉદાસીન દેખાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય પરિબળોને ગણાવીને હાથ ઉંચા કરી રહી છે. સાથે સાથે બેરોજગારીને ઘટાડી દેવા માટેના નક્કર પગલાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી નથી.
કેટલાક સંવેદનશીલ મુદ્દા પર તેમનુ મૌન દેખાઇ રહ્યુ છે. રાહુલ પણ હાલમાં રાજકીય મોરચે ખુબ મહેનત કરી રહ્યા છે. જેની અસર પણ દેખાઇ છે. કારણ કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળ રહી છે. તે પહેલા કર્ણાટકમાં તેમની મહેનત પણ દેખાઇ હતી. તેમના આક્રમક પ્રચારના કારણે પાર્ટી ૭૭ જેટલી સીટ જીતી શકી હતી. સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરી ન હતી અને બહુમતિ મળી ન હતી છતાં તે જેડીએસની સાથે મળીને સરકાર ટકાવી રાખવામાં સફળ રહી હતી. તેમની કુશળતા પણ હવે વધી છે. ભારતની સૌથી મોટી અને સૌથી જુની પાર્ટીના વડા રાહુલ હાલમાં આ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટે દિન રાત એક કરી રહ્યા છે. કોઇ સમય દેશના મોટા ભાગના રાજ્યોમાં શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીની હાલના સમયમાં એક પછી એક રાજ્યમાં કારમી હાર થઇ હતી.
જોકે આ પ્રવાહ પર રાહુલ ગાંધી બ્રેક મુકી શક્યા છે. હાલમાં ત્રણ રાજ્યોમાં પાર્ટીને જીત અપાવવામાં રાહુલ સફળ સાબિત થઇ ગયા બાદ તેમની કુશળતાની નોંધ લેવામાં આવી ચુકી છે. સોનિયા ગાંધી અને ત્યારબાદ શરૂઆતના સમયમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં પણ પાર્ટીની કારમી હાર થઇ હતી. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર બાદથી કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ કફોડી બની હતી. જો કે હવે પાર્ટીની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. ત્રણ હિન્દી પટ્ટા રાજ્યોમાં હાલમાં પાર્ટીની જીત મોટા સંકેત તરીકે છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે ઇતિહાસ સર્જીને જીત મેળવી લીધા બાદ મોદીની લહેર વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ એક પછી એક રાજ્યમાં સત્તા ગુમાવી દીધી હતી. જો કે હવે પાર્ટીની સ્થિતી સુધરી છે. કોંગ્રેસના હાથમાં ગણતરીના રાજ્યો રહ્યા બાદ હવે તેની સ્થિતી ફરી એકવાર મજબુત બની રહી છે.