હેમિલ્ટન : મિલ્ટનમાં સેડાન પાર્ક ખાતે આજે રમાયેલી ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચમાં ભારતીય ટીમની હાર થતા શ્રેણી ભારતીય ટીમે ગુમાવી હતી પરંતુ આ મેચમાં પણ મહેન્દ્રસિંહ ધોનીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. આજે રમીને ધોની ટ્વેન્ટી-૨૦ ફોર્મેટમાં ૩૦૦ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. જ્યારે એકંદરે ૩૦૦ અને તેનાથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં ધોની ૧૨માં સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના લુક રાઈટે પણ ૩૦૦ ટ્વેન્ટી-૨૦ મેચો રમી છે. મહેન્દ્રસિંહ ધોનીએ તેની ટ્વેન્ટી-૨૦ કેરિયરમાં ૨૪ અડધી સદી સાથે ૩૮.૫૭ રનની સરેરાશ સાથે ૬૧૩૪ રન કર્યા છે.
આ ઉપરાંત રોહિત શર્મા આ યાદીમાં ૨૯૮ મેચ સાથે બીજા ભારતીય બેટ્સમેન તરીકે રહ્યો છે. જ્યારે એકંદરે યાદીમાં રોહિત શર્મા ૧૩માં સ્થાન ઉપર છે. ૪૪૬ ટી-૨૦ મેચો સાથે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઓલટાઈમ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. પોલાર્ડે એક સદી અને ૪૩ અડધી સદી સાથે ૨૯ રનની સરેરાશ સાથે ૮૭૫૩ રન બનાવ્યા છે. ટ્વેન્ટી-૨૦ મેચોમાં મહેન્દ્રસિંહ ધોનીએ તેની યશકલગીમાં વધુ એક સિદ્ધિ ઉમેરીને ૩૦૦ મેચની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ ટ્વેન્ટી-૨૦ મેચ રમનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ યાદીમાં ધોન ઉપર રોહિત શર્મા, સુરેશ રૈના અને દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે. દિનેશ કાર્તિકે આજે ૨૬૦મી ટ્વેન્ટી મેચ રમી હતી. જાકે આજ માટે નિરાશાજનક બાબત એ રહી હતી કે ભારતીય ટીમે આ મેચ ગુમાવી દીધી હતી. વેસ્ટઈન્ડિઝના પોલાર્ડે ટી-૨૦ ફોર્મેટમાં વિશ્વમાં સૌથી વધારે મેચો રમી છે. તેના રેકોર્ડ સુધી પહોંચવામાં કોને સફળતા મળે તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. જાકે ધોની ઉલ્લેખનિય દેખાવ કરવા સાથે યાદીમાં ૧૨માં સ્થાને પહોંચ્યો છે.