મુંબઈ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં અનેક એવા મોટા પરિબળ છે. જેની સીધી અસર શેરબજારમાં જાવા મળશે. શેરબજારમાં હાલ તેજી રહેવા માટે કેટલાક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. આ સપ્તાહમાં ફુગાવા, આઈઆઈપીના આંકડા સહિતના પરિબળોની અસર દેખાશે. આ તમામ પરિબળ બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. આરબીઆઈએ હાલમાં જ વ્યાજદરમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં તેની અસર અપેક્ષા મુજબ ઓછી દેખાઈ હતી. સપ્તાહમાં સેન્સેક્સ ૭૭ પોઈન્ટ ઉછળીને ૩૬૫૪૬ની અને નિફ્ટી ૪૯ પોઈન્ટ ઉછળીને ૧૦૯૪૩ની સપાટીએ રહ્યો હતો. કોઈપણ હકારાત્મક પરિબળો મળી રહ્યા નથી. માઈક્રો આંકડા, ગ્લોબલ ટ્રેન્ડ અને ક્રુડની કિંમતો સહિતના એવા પરિબળ છે જે સીધી અસર કરી રહ્યા છે. વર્તમાન એનડીએ સરકારનું અંતિમ સંસદ સત્ર બુધવારના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે.
ખેડુતો માટે અને મધ્યમ વર્ગ માટે કેટલીક જાહેરાતો થઈ ચુકી છે. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. રિટેલ ફુગાવા અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બજારની દિશા નક્કી કરશે. આની જાહેરાત પણ હવે થનાર છે. માસિક ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૬૪ ટકા હતો. ફુગાવાના આંકડા હવે જારી થનાર છે. જાન્યુઆરી મહિના માટેના આંકડા પણ આવા જ આશાસ્પદ રહી શકે છે. આરબીઆઈએ હાલમાં જ રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
કન્ઝયુમર ફુગાવાના આંકડા મંગળવારના દિવસે અને હોલસેલ ફુગાવાના આંકડા ગુરૂવારના દિવસે જારી કરાશે. ડિસેમ્બર મહિના માટે ઈન્ડેક્ષ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઈઆઈપી)ના આંકડા મંગળવારના દિવસે જારી કરાશે. આઈઆઈપી ગ્રોથનો આંકડો નવેમ્બર ૦.૪૭ ટકા રહ્યો હતો. અન્ય પરિબળો પણ છે જેના ઉપર તમામની નજર રહેશે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. અનેક હેવી વેઈટ કંપનીઓના પરિણામ અને કમાણીના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. હવે કોલ ઈન્ડિયા, હિન્ડાલકો, ઓએનજીસી અને સનફાર્માના આંકડા જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડની કિંમતોની અસર દેખાઈ શકે છે. એકંદરે કેટલાક સારા પરિબળો વચ્ચે શેરબજારમાં આશાસ્પદ તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.