કોલકતા : પશ્ચિમ બંગાળમાં કૃષિનગર વિધાનસભા સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની હત્યા બાદ પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આ મામલામાં પોલીસે બંગાળના નાદિયા જિલ્લામાંથી ભાજપના નેતા મુકુલ રોય સહિત ચાર લોકોની સામે કેસ દાખલ કરી દીધો છે. મુકુલ રોય બંગાળની રાજનીતિમાં ચર્ચાસ્પદ ચહેરા તરીકે છે. ગયા વર્ષે જ તૃણમૂલ કોંગ્રેસ છોડીને મુકુલ રોય ભાજપમાં જોડાયા હતા. કોઈ સમયે મુકુલ રોય મમતા બેનર્જીના ખુબ નજીકના સાથી તરીકે હતા. અલબત્ત, મોડેથી તેમની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ હતી. શરૂઆતી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે દેશ પિસ્તોલથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસને ગોળી મારવામાં આવી હતી. સત્યજીતને પાછળથી ગોળી મારવામાં આવી હતી. આના માટે પહેલાથી જ યોજના તૈયાર કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે શનિવારના દિવસે તૃણમૂલના ધારાસભ્ય સત્યજીત ફુલવાડી વિસ્તારમાં આયોજિત સરસ્વતી પૂજા કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આજ ગાળા દરમિયાન કેટલાક લોકો પહોંચ્યા હતા અને સત્યજીત ઉપર ગોળીબાર કર્યો હતો. બંગાળ પોલીસના અધિકારીઓએ કહ્યું છે કે જે ચાર લોકના નામ એફઆઈઆરમાં છે તે પૈકી બેને પોલીસ પકડી ચુકી છે. અન્યોની સામે તપાસ ચાલી રહી છે. ત્રણ અન્ય લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે નાદિયા પડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર સ્થિત છે. આવું બની શકે કે ધારાસભ્યની હત્યા કર્યા બાદ હુમલાખોરો બાંગ્લાદેશ ભાગી ગયા છે. સરહદ ઉપર અવર જવર પર નજર રાખવા પોલીસને હાઈએલર્ટ પર રખાઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવીને આક્ષેપ કર્યા છે. બીજી બાજુ ભાજપે તૃણમૂલના અક્ષેપને રદિયો આપ્યો છે. બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે આક્ષેપ બિનજરૂરી છે.