નવી દિલ્હી : વિદેશમાં સંપત્તિની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરીંગના આક્ષેપોમાં તપાસના સંદર્ભમાં ગયા સપ્તાહમાં સતત ત્રણદિવસ સુધી પૂછપરછનો સામનો કરી ચુકેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાએ આજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આખરે વાસ્તવિકતા લોકોની સામે આવશે.
આજે સવારે ફેસબુક પોસ્ટ ઉપર વાઢેરાએ કહ્યું હતું કે સવારમાં તેઓ માત્ર એટલું જ કહેવા માંગે છે કે સમગ્ર રાષ્ટ્રમાંથી જે રીતે તેમને સમર્થન મળ્યું છે તેના માટે તેઓ આભાર માને છે. રોબર્ટ વાઢેરા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી છે અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા વાઢેરાના પતિ છે. શનિવારના દિવસે આઠ કલાક સુધી તેમની પૂછપરછ થઈ હતી. તે પહેલા પણ સાતમી અને આઠમી ફેબ્રુઆરીના દિવસે તેમની લાંબી પૂછપરછ થઈ હતી. ગુરુવારે સાડા પાંચ કલાક સુધી અને શુક્રવારે નવ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.