પ્રયાગરાજ : પ્રયાગરાજમાં વસંત પંચમીના દિવસે આજે શાહી સ્નાન વેળા સાધુ સંતો પણ પરંપરાગત રીતે શાહી ઝુલુસમાં નિકળ્યા હતા. અગાઉની જેમ જ અંતિમ શાહી સ્નાનમાં પણ સાધુ સંતોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. આજે સૌથી પહેલા પંચાયતી અખાડા મહાનિર્વાણી દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨.૨૦ વાગે ભારતીય પંચ નિર્મોહી અન્ય અખાડાના સંતો જાડાયા હતા. જુદા જુદા અખડાઓના સંતોના શાહી સ્નાન બાદ શ્રદ્ધાળુઓનો ધસારો પણ અન્યત્ર ઘાટ ઉપર પણ જાવા મળ્યો હતો. એવી માન્યતા છે કે જે વ્યક્તિ મકરસંક્રાંતિ, મોની અમાવસ્યા અને વસંત પંચમીના દિવસે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરે છે તેને પૂર્ણ કુંભ સ્નાનના ફળ મળે છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
માન્યતા મુજબ આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. સંગમ ઉપરાંત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તમામ ૧૩ અખાડાના શાહી સ્નાન માટે ક્રમ પણ પહેલાથી જ નક્કી કરવામાં આવે છે તે પહેલા કોઇપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઇને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ જાવા મળી ચુકી છે. શાહી સ્નાનની પરંપરા સદીયો જુની રહેલી છે. એમ માનવામાં આવે છે કે, શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઇને ૧૬મી સદી વચ્ચે થઇ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઇ હતી. ધીમે ધીમે આને લઇને સાધુ-સંતો ઉગ્ર થવા લાગી ગયા હતા. મોગલ શાસકોએ સ્થિતિને હળવી કરવા બેઠક કરીને કામ વહેંચી દેવાનો નિર્ણય કર્યો હતો. સાધુ-સંતોને સન્માન આપવા અને તેમને ખાસ અનુભવ થાય તે માટે સૌથી પહેલા સ્નાનની તક તેમને આપવાનો નિર્ણય કરાયો હતો.
આ સ્નાનના ગાળા દરમિયાન સાધુ-સંતોનું સન્માન અને ઠાઠબાટ રાજાઓ જેવું રહે છે જેથી આને શાહી સ્નાન કહેવામાં આવે છે. મોડેથી શાહી સ્નાનને લઇને અખાડામાં સંઘર્ષની શરૂઆત થઇ હતી. અનેક વખત રક્તપાત પણ થઇ ચુક્યા છે. શાહી સ્નાન દરમિયાન સાધુ-સંતો હાથી ઘોડા અને સોના ચાંદીની પાલખીઓમાં બેસીને પણ પહોંચે છે. ખાસ મુહુર્ત પહેલા સાધુ-સંતો ત્રિવેણી સંગમ ઉપર એકત્રિત થાય છે. એમ માનવામાં આવે છે કે, મુહુર્ત વેળા નદીમાં પવિત્ર સ્નાન કરવાથી અમૃત પ્રાપ્ત થાય છે. મોની અમાસ પર ભારે ભીડને ધ્યાનમાં લઈને યોગી સરકારે આજે વસંત પંચમીના દિવસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરી હતી. મહાકુંભમાં હજુ પણ મહત્વના સ્નાનના પર્વ બાકી છે.